નવી દિલ્હી, 16 નવેમ્બર 2026: અમેરિકાના ઇલિનોય રાજ્યના ઓરોરા વિસ્તારમાં આવેલા એક હિંદુ મંદિરને નિશાન બનાવીને સામૂહિક ગોળીબાર કરવાના કથિત કાવતરાના અહેવાલો પર ભારતે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ કાવતરામાં હિંદુ વિરોધી અને વંશીય નફરત સાથે જોડાયેલા પાસાઓ ઉપરાંત ભારતીય મૂળના લોકો સામે હિંસાની બાબતો સામે આવવી તે અત્યંત ગંભીર અને ચિંતાજનક છે. મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું કે ભારતે અમેરિકન કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા લેવામાં આવેલા પગલાંની નોંધ લીધી છે, જેમાં શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ, તેની અટકાયત અને તેની સામે દાખલ કરાયેલા આરોપોનો સમાવેશ થાય છે.
રણધીર જયસ્વાલે વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટના અમેરિકામાં વંશીય દુશ્મનાવટ અને ભારત વિરોધી નફરતને લઈને વધી રહેલી ચિંતાઓને વધુ ઘેરી બનાવે છે. આવી ઘટનાઓને અટકાવવા માટે વધુ સતર્કતા, નફરતથી પ્રેરિત હિંસા પ્રત્યે ‘ઝીરો ટોલરન્સ’ (શૂન્ય સહિષ્ણુતા) ની નીતિ અને ત્યાં વસતા ભારતીય સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક કાર્યવાહીની તાતી જરૂરિયાત છે. ભારતે આશા વ્યક્ત કરી છે કે અમેરિકન સત્તાવાળાઓ આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરશે, જવાબદાર તત્વોને ન્યાયના કઠેડામાં ઊભા કરશે અને ભવિષ્યમાં આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ જરૂરી પગલાં ભરશે.








