અમદાવાદ, 11 નવેમ્બર, 2026 : PM Modi will visit Gujarat on Friday વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી નવેમ્બરથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી અંબાજી માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે. 13મી નવેમ્બરને શુક્રવારે સાંજે પીએમ મોદી દિલ્હીથી ખાસ વિમાનમાં અમદાવાદ આવી પહોંચશે. અને ગાંધીનગર રાજભવન (લોક ભવન)માં રાત્રી રોકાણ કરશે, અને 14મીને શનિવારે અંબાજી જવા રવાના થશે. વડાપ્રધાન મોદી આગમનને લઈને અમદાવાદથી લઈને અંબાજી સુધી વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 13 નવેમ્બરને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 9 વાગ્યા બાદ દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે. અને અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર લોકભવન (રાજભવન) ખાતે જવા રવાના થશે અને અમદાવાદમાં રાત્રિ રોકાણ કરશે. પ્રવાસના બીજા દિવસે 14 નવેમ્બર, શનિવારને લાભ પાંચમના દિવસે સવારે આશરે 10 વાગ્યા બાદ પીએમ મોદી અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે અંબાજી જવા રવાના થશે. બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ તેઓ અંબાજી મંદિર પરિસરમાં પહોંચશે. અહીં માતાજીનાં દર્શન કરી લાભ પાંચમની પૂજા કરશે. દર્શન અને પૂજાવિધિ પૂર્ણ કર્યા બાદ તેઓ બપોરે દિલ્હી પરત ફરશે.
વડાપ્રધાનના અંબાજી આગમનને ધ્યાનમાં રાખીને મંદિર પરિસર સહિત આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા બંદોબસ્ત, વાહનવ્યવહાર અને વડાપ્રધાનના કાફલાના રૂટને લઈને આયોજન કરવામાં આવશે. સાથે જ દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને અગવડ ન પડે તે માટે પણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે.
વડાપ્રધાન મોદીના આ પ્રવાસને પગલે અંબાજી અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વહીવટી તંત્રમાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જોકે, મુલાકાતના સમય અને કાર્યક્રમ અંગેની અંતિમ વિગતો સત્તાવાર જાહેરાત બાદ સ્પષ્ટ થશે.








