જામનગર, 11 નવેમ્બર, 2026 : Two women die, 6 injured after Ecocar hits bridge on Jamnagar-Kalawad highway રાજ્યના નેશનલ અને સ્ટૈટ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ જામનગર નજીક સર્જાયો છે. જામનગર-કાલાવડ હાઈવે પર અલીયાબાડા ગામના પાટિયા નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલી ઈકો કારનું ટાયર ફાટતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર ધડાકાભેર પુલ સાથે અથડાઈને માર્ગ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બે મહિલાઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે બાળકો સહિત છ લોકોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જામનગર-કાલાવડ હાઈવે પર અલીયાબાડા ગામના પાટિયા નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલી ઈકો કારનું ટાયર ફાટતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. અને ઈકોકાર ધડાકાભેર પુલ સાથે અથડાઈને પલટી ગઈ હતી. ઈકો કારમાં જાડેજા પરિવારના કુલ આઠ સભ્યો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારને ભારે નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં 17 વર્ષીય માનસીબા જાડેજા અને કૈલાશબા જાડેજાને ગંભીર ઈજાઓ પહોંચતાં બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે પ્રિયંકાબા અજીતસિંહ જાડેજા (ઉં.વ. 19), રંજનબા અજીતસિંહ જાડેજા (ઉં.વ. 50), મણિયાતાબા મયુરસિંહ જાડેજા (ઉં.વ. 3) અને સ્વંદીપસિંહ મયુરસિંહ જાડેજા (ઉં.વ. 7) સહિત છ પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. અકસ્માતના બનાવને આસપાસમાંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ છ ઈજાગ્રસ્તોને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
અકસ્માની જાણ થતાં પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ ઉપરાંત અકસ્માત અંગે ગુનો નોંધીને ઈકો કારનું ટાયર ફાટવાનું કારણ અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.








