Homeગુજરાતીદેશ-વિદેશહવે સાંજે પણ ચાલશે અદાલતો! પેન્ડિંગ કેસોના નિકાલ માટે કેન્દ્ર સરકારની નવી...

હવે સાંજે પણ ચાલશે અદાલતો! પેન્ડિંગ કેસોના નિકાલ માટે કેન્દ્ર સરકારની નવી યોજના

નવી દિલ્હી/દેવરિયા : દેશની અદાલતોમાં વર્ષોથી પડતર રહેલા કરોડો કેસોના ઝડપી નિકાલ માટે કેન્દ્ર સરકાર નવી વ્યવસ્થા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ માટે હવે નિયમિત કોર્ટ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સાંજના સમયે પણ ત્રણથી ચાર કલાક વધારાની સુનાવણી હાથ ધરવામાં આવશે. આ વ્યવસ્થાને ‘ઇવનિંગ કોર્ટ’ નામ આપવામાં આવ્યું છે. શરૂઆતમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે તેની અમલવારી કરવામાં આવશે.

કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અર્જુન રામ મેઘવાલે ઉત્તર પ્રદેશના દેવરિયામાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ન્યાયિક વ્યવસ્થા પર પડતર કેસોનું ભારણ ઘટાડવા માટે સરકાર અનેક વિકલ્પો પર કામ કરી રહી છે.

  • દેશની અદાલતોમાં 5 કરોડથી વધુ કેસ પડતર

મંત્રીના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટમાં 96 હજારથી વધુ, દેશની 25 હાઇકોર્ટમાં આશરે 70 લાખ અને જિલ્લા તથા નીચલી અદાલતોમાં લગભગ 4 કરોડ 30 લાખ કેસ પડતર છે. આટલી મોટી સંખ્યામાં કેસો હોવાથી સામાન્ય નાગરિકોને સમયસર ન્યાય મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

  • 20થી 40 વર્ષ જૂના કેસો પર વિશેષ ધ્યાન

સરકાર હવે પડતર કેસોનું ‘એજિંગ એનાલિસિસ’ કરાવવાની તૈયારી કરી રહી છે. તેના માધ્યમથી કયો કેસ કેટલાં વર્ષોથી અદાલતમાં ચાલી રહ્યો છે તેની માહિતી એકત્રિત કરવામાં આવશે. ખાસ કરીને 20, 30 અને 40 વર્ષ જૂના કેસોને ઓળખીને તેમની સુનાવણીને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

કેટલાક કેસોમાં સાક્ષીઓનાં મૃત્યુ થઈ ગયાં હોવા છતાં સુનાવણી ચાલુ હોવાની સ્થિતિ પણ સામે આવી છે. ચેક બાઉન્સના કેસોની સંખ્યા પણ ઘણી મોટી છે. આવા કેસોનો ઝડપી નિકાલ કરવો સરકાર માટે મહત્વનો પડકાર છે.

  • નિવૃત્ત ન્યાયાધીશોની પણ લેવાશે મદદ

પડતર કેસોનો બોજ ઘટાડવા માટે નિવૃત્ત ન્યાયાધીશોની સેવાઓ લેવાની દિશામાં પણ સરકાર વિચારણા કરી રહી છે. બંધારણમાં આ માટે જોગવાઈઓ ઉપલબ્ધ હોવાનું મેઘવાલે જણાવ્યું હતું. વધારાની અદાલતો, નિવૃત્ત જજોની સેવા અને ટેક્નોલોજીના ઉપયોગથી ન્યાયિક પ્રક્રિયાને ઝડપી બનાવવાનો પ્રયાસ થશે.

  • AIની મદદથી સ્થાનિક ભાષામાં મળશે ચુકાદા

ન્યાયિક વ્યવસ્થામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ વધારવા પર પણ સરકાર ભાર મૂકી રહી છે. AI આધારિત ભાષાંતર સાધનો દ્વારા સુપ્રીમ કોર્ટના અંગ્રેજીમાં આપવામાં આવેલા ચુકાદાઓનું તમિલ સહિતની પ્રાદેશિક ભાષાઓમાં ભાષાંતર શક્ય બન્યું છે. આથી સામાન્ય નાગરિકો પોતાની ભાષામાં કોર્ટના ચુકાદા સમજી શકશે.

  • નવી વ્યવસ્થાથી વકીલોને પણ મળશે તક

ઇવનિંગ કોર્ટની વ્યવસ્થાને લઈને કેટલાક વકીલો દ્વારા વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું મંત્રીએ સ્વીકાર્યું હતું. જોકે, આ વ્યવસ્થાથી નવા વકીલોને પણ કામ કરવાની વધુ તકો મળી શકે છે. પાયલોટ પ્રોજેક્ટના પરિણામો અને ઉપયોગિતાનું મૂલ્યાંકન કર્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.

કેન્દ્ર સરકારનો આ પ્રયાસ દેશની ન્યાયિક વ્યવસ્થામાં પડતર કેસોનું ભારણ ઘટાડવા અને નાગરિકોને ઝડપથી ન્યાય મળે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું બની શકે છે.

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img