શ્રીનગર, 11 નવેમ્બર, 2026 – Terrorist attack on CRPF camp જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે બપોરે આતંકવાદીઓએ સીઆરપીએફ (CRPF)ના કેમ્પ પર હુમલો કરી દીધો હતો. બાઇક સવાર અજ્ઞાત હુમલાખોરોએ સુરક્ષાકર્મીઓ પર આડેધડ ગોળીબાર કર્યો અને પછી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. આ હુમલામાં સીઆરપીએફના ત્રણ જવાન ઘાયલ થયા છે. આ હુમલાનો સીસીટીવી (CCTV) વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સીઆરપીએફના જવાનો ડ્યુટી પર તૈનાત છે. આ દરમિયાન હુમલાખોરો તેમના પર ગોળીબાર કરી દે છે. વીડિયોમાં હુમલાખોરો તો દેખાતા નથી, પરંતુ ગોળીબાર અને જવાનોને જોઈ શકાય છે. માત્ર ૧૫ સેકન્ડમાં હુમલાખોરો ૩૦થી વધુ ગોળીઓ છોડી હોવાના અહેવાલ છે.
સીઆરપીએફના જણાવ્યા મુજબ, બુધવારે બપોરે આશરે 2:15 વાગ્યે કુલગામ જિલ્લામાં એક નાકા પર તૈનાત સુરક્ષા કર્મીઓ પર અજ્ઞાત બાઇક સવાર હુમલાખોરોએ ગોળીબાર શરૂ કરી દીધો. હુમલો એટલો અચાનક થયો કે જવાનોને સંભાળવાનો મોકો મળ્યો નહીં. હુમલાખોરો ગોળીબાર પછી સ્થળ પરથી ફરાર થઈ ગયા. ઘટનાની તરત બાદ વિસ્તારની ઘેરાબંધી કરીને તલાશી અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું. આ સીઆરપીએફ પાર્ટી પર હુમલો હતો અને ઘટના સાથે જોડાયેલા તથ્યોની તપાસ કરવામાં આવી રહી છે. ઘાયલ જવાનોને સારવાર માટે અનંતનાગ જિલ્લાના જીએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં એક જવાનની તબિયત ગંભીર જણાવવામાં આવી રહી છે.
સત્તાવાર સૂત્રોના અનુસાર, ઘાયલ જવાનોની ઓળખ સીટી/જીડી રાકેશ દાસ, સીટી/જીડી સંતોષ ચન્દ્રુ અને એચસી/જીડી સોમવીર સિંહ તરીકે થઈ છે. રાકેશ દાસ અસમના રહેવાસી છે. તેમના પગમાં ગોળી વાગી છે પરંતુ તેમની તબિયત સ્થિર જણાવવામાં આવી રહી છે.
બીજા ઘાયલ જવાન સંતોષ ચન્દ્રુ પશ્ચિમ બંગાળના રહેવાસી છે. તેમના પેટ અને કરોડરજ્જુમાં ગોળી વાગી છે. તેમને તરત ઓપરેશન થિયેટર (ઓટી) માં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, તેમની તબિયત હાલમાં ગંભીર છે.
ત્રીજા ઘાયલ જવાન એચસી/જીડી સોમવીર સિંહ મધ્ય પ્રદેશના રહેવાસી છે. તેમના ડાબા હાથમાં ગોળી વાગી છે અને તેમની તબિયત સ્થિર છે. શરૂઆતમાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ હુમલામાં બે જવાન ઘાયલ થયા છે પરંતુ બાદમાં સત્તાવાર માહિતીમાં ત્રણ જવાનોના ઘાયલ થવાની પુષ્ટિ થઈ છે.








