અમદાવાદ, 24 નવેમેબર, 2026 : Shankaracharya Sandanandaji’s teachings to the Sanatanis દ્વારકા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામ ખાતે નિવેદન આપતા જણાવ્યુ હતું કે, શાસ્ત્રોમાં ન હોય તેવા ‘નકલી દેવી-દેવતાઓ’ અને બનાવટી પૂજા પદ્ધતિઓથી દૂર રહેવું જોઈએ. પંચદેવની ઉપાસના અને પ્રાચીન પરંપરાઓનું પાલન કરવું જોઈએ.
દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ સનાતન ધર્મ અને દેવી-દેવતાઓની ઉપાસનાને લઈને ઉપદેશ આપ્યો હતો. તેમણે કોઈ સંપ્રદાયનું નામ લીધા વિના સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, બનાવટી કે નકલી દેવી-દેવતાઓની પૂજા કરવાનું ટાળવું જોઈએ. તેમને ભગવાન માનીને પૂજા કરવાની જરૂર નથી. મુંબઈના બોલિવૂડે આવા દેવી-દેવતાને ઉભા કર્યા હોવાના આક્ષેપ પણ કર્યાં હતા.
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ હિંદુઓને પોતાના બાપદાદાની પરંપરા મુજબ શિવ-શક્તિ, પંચદેવ અને કુળદેવી-કુળદેવતાની ઉપાસના કરવા અપીલ કરી હતી. સાથે જ સાચા હિંદુની વ્યાખ્યા સમજાવી મૂળ સનાતન પરંપરાથી ભટકતા લોકોને સીધો સંદેશ આપતા કહ્યુ હતું કે, સનાતન ધર્માવંબીઓ પંચદેવો અને શિવ-શક્તિની ઉપાસના કરે છે, તેથી દરેક વ્યક્તિને પોતાના મૂળ ધર્મ અને પરંપરાનું સાચું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. આપણા પૂર્વજો પિતા, દાદા, નાના અને તેમની અગાઉની પેઢીઓ જે દેવી-દેવતાઓની પૂજા કરતા આવ્યા છે, તેમની જ પૂજા કરવી જોઈએ. શાસ્ત્રો અને પુરાણોમાં જેનો ઉલ્લેખ નથી તેવા બનાવટી કે નકલી દેવી-દેવતાઓની પૂજા કરવાની કોઈ જરૂર નથી.
ગંગા નદીની ધારાનું ઉદાહરણ આપતા શંકરાચાર્યજીએ જણાવ્યું કે, જેમ ગંગા ગંગાસાગરમાં મળે છે અને તેમાં ગમે ત્યાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે, તેમ આમતેમ ભટક્યા વિના મૂળ ધારા અને મૂળ ધર્મગ્રંથોને વળગી રહેવું જોઈએ. શ્રીમદ્ ભગવદ્ ગીતા, રામાયણ, અઢાર પુરાણ અને ચાર વેદ સિવાયના નવા-નવા લખાણોમાં ‘દૂધમાં પાણી ભેળવવા’ જેવી પ્રવૃત્તિ થઈ રહી છે. તેમણે ભવિષ્યમાં આવી બાબતો સામે ચેતવણી આપી હતી.
અંતમાં તેમણે ‘હિંદુ’ અને ‘સનાતન ધર્માવંબી’ની વ્યાખ્યા સ્પષ્ટ કરતા કહ્યું કે જે પંચદેવની ઉપાસના કરે, ધર્મશાસ્ત્રોને માને, દ્વારકાધીશ, ચારેય ધામ, નવદુર્ગા, દસ મહાવિદ્યા, ઉમિયા માતા, અંબાજી, આશાપુરા, પોતાના કુળદેવી-કુળદેવતા અને સોમનાથ દાદાને માને, તે જ સાચો હિંદુ છે અને આ જ હિંદુત્વના લક્ષણો છે.








