જામનગર, 27 નવેમ્બર, 2026 : Groundnuts arrive in abundance at Jamnagar Marketing Yard જિલ્લામાં અપુરતો વરસાદ હોવા છતાંયે ખરીફ પાકમાં મગફળીનું ઉત્પાદન સારૂએવું થયું છે. ત્યારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક થઈ રહી છે. હાપા યાર્ડમાં મગફળીનો જથ્થો ભરાઈ જતાં ગત 20 તારીખથી નવી આવક પર રોક લગાવવામાં આવી હતી. જોકે, 26મી નવેમ્બરથી ફરીથી આવક શરૂ કરવાની જાહેરાત થતાં જ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી સહિત ખરીફ પાકના વેચાણ માટે ઉમટી પડ્યા હતા. પરિણામે યાર્ડની બહાર અંદાજે 400 જેટલાં મગફળી ભરેલાં વાહનોની ચારથી સાડા ચાર કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે આ વર્ષે મગફળીનું ઉત્પાદન ઓછું થયું છે. બીજી તરફ, તમિલનાડુથી આવેલા વેપારીઓ દ્વારા સારી ખરીદી કરવામાં આવી રહી હોવાથી અન્ય જિલ્લાઓના ખેડૂતો પણ ઊંચા ભાવની આશાએ પોતાની મગફળી વેચવા જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. જોકે, આવક શરૂ થતાં જ વાહનોની લાંબી કતારો લાગતાં ખેડૂતોને કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી. મોરબી તાલુકામાંથી મગફળીના વેચાણ માટે આવેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેઓ સાંજે ચાર વાગ્યાથી લાઈનમાં ઊભા હતા. રાત્રે સવા અગિયાર વાગ્યા સુધી પણ તેમનો વારો આવ્યો નહોતો અને હજુ બે કલાક રાહ જોવી પડે તેવી સ્થિતિ હતી. કડકડતી ઠંડીમાં આટલા લાંબા સમય સુધી વાહનોમાં બેસીને રાહ જોવી ખેડૂતો માટે મુશ્કેલ બની હતી.
મગફળીના વેચાણ માટે આવેલા અન્ય ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેઓ બપોરના બે-ત્રણ વાગ્યાથી લાઈનમાં ઊભા હતા અને કલાકો બાદ પણ માંડ અડધી લાઈન સુધી પહોંચી શક્યા હતા. અહીં ચારથી પાંચ કિલોમીટર લાંબી કતારો લાગી હતી, પરંતુ લાઈનમાં ઊભેલા ખેડૂતો માટે ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા નહોતી. આ વર્ષે પાકનું ઉત્પાદન પણ ઓછું થયું હોવાથી સરકાર અને વેપારીઓ સારા ભાવ આપે તો ખેતી પાછળ થયેલો ખર્ચ નીકળી શકે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી હતી.








