અમદાવાદ, 24 નવેમેબર, 2026 : Nal Sarovar development project nears completion વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ અમદાવાદ જિલ્લાના નળ સરોવર પક્ષી અભયારણ્યની મુલાકાત લઈ, ત્યાં ચાલી રહેલાં વિકાસકામો, પ્રવાસન માળખાકીય સુવિધાઓ તથા પર્યાવરણીય સંરક્ષણની કામગીરીની સમીક્ષા કરી હતી.
અમદાવાદ જિલ્લાના નળ સરોવર પક્ષી અભયારણ્યને તેના પ્રાકૃતિક સૌંદર્ય, સમૃદ્ધ જૈવવિવિધતા અને દેશ-વિદેશથી આવતા યાયાવર પક્ષીઓના આગમનને કારણે વિશેષ ઓળખ પ્રાપ્ત થઈ છે. આ કુદરતી ધરોહરને વધુ સુવિધાસભર, આધુનિક અને પ્રવાસીઓ માટે આકર્ષક સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ નળ સરોવર ખાતે હાથ ધરવામાં આવેલાં વિવિધ વિકાસકામો અને પ્રવાસીઓ માટે ઊભી કરવામાં આવી રહેલી સુવિધાઓ જેવી કે કેન્ટીન, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ગ્રીનઝોન, બોટિંગ જેટી, બર્ડવ્યુ પોઇન્ટ વગેરેનું નિરીક્ષણ કર્યું હતું.
નળ સરોવરની કુદરતી ઓળખ અને પર્યાવરણીય સમતુલા જાળવી રાખવાની સાથે તેને વધુ સુવિધાસભર પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં હાથ ધરવામાં આવેલી કામગીરી અંગે તેમણે વિગતો મેળવી હતી.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીના અધ્યક્ષસ્થાને વન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નળ સરોવરના સંરક્ષણ, વિકાસકામોની પ્રગતિ, પ્રવાસીઓ માટેની સુવિધાઓ તથા આગામી સમયમાં હાથ ધરાનારી વિવિધ પહેલ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, નળ સરોવર શિયાળાની ઋતુમાં દેશ-વિદેશથી આવતા હજારો યાયાવર પક્ષીઓનું મહત્ત્વપૂર્ણ આશ્રયસ્થાન છે. આ પક્ષીઓના સુરક્ષિત વસવાટ માટે અનુકૂળ વાતાવરણ જાળવવું, તેમના કુદરતી રહેઠાણનું સંરક્ષણ કરવું તેમજ અભયારણ્યની સમૃદ્ધ જૈવવિવિધતા ટકાવી રાખવી જેવી બાબતોને વિશેષ પ્રાધાન્ય આપવા વનમંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી.
નળ સરોવરની પર્યાવરણીય સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને વિકાસ અને પ્રકૃતિ સંરક્ષણ વચ્ચે સંતુલન જળવાય તે દિશામાં કામગીરી કરવા પણ તેમણે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આ કુદરતી ધરોહરનું જતન કરવાની સાથે તેને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવવાની દિશામાં સંકલિત પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો.
નળ સરોવરને વધુ પ્રવાસન-અનુકૂળ બનાવવાના હેતુથી હાથ ધરવામાં આવેલા પુનર્વિકાસના પ્રોજેક્ટ્સ પૂર્ણતાના આરે છે. આ ઉપરાંત, પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બોટિંગ સુવિધા પણ જરૂરી અંતિમ ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં પુનઃ શરૂ કરવામાં આવશે. આ સુવિધા શરૂ થવાથી નળ સરોવરની મુલાકાતે આવતા પ્રવાસીઓને વધુ સારો અનુભવ મળશે અને પ્રવાસન પ્રવૃત્તિઓને પણ વેગ મળશે.
આ સાથે જ, નળ સરોવરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટેની પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરવા, સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા, પ્રવાસન માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા અને ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.








