મુંબઈ, 24 નવેમ્બર 2026: ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) એ આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ) માં નાણાં રોકતા રોકાણકારોને ગ્રે માર્કેટ પ્રીમિયમને લઈને મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી છે. બજાર નિયામકે સ્પષ્ટ કર્યું છે કે ગ્રે માર્કેટ પ્રીમિયમ સંપૂર્ણપણે અનૌપચારિક, બિન-પ્રમાણિત અને અનિયમિત વ્યવસ્થા છે. તેને કોઈપણ આઈપીઓના સંભવિત લિસ્ટિંગ ભાવ અથવા રોકાણ પર મળતા નફાનો વિશ્વસનીય સંકેત ન માનવો જોઈએ. સેબીએ રોકાણકારોને ગ્રે માર્કેટ પ્રીમિયમ સંબંધિત કોઈપણ અનૌપચારિક લેવડદેવડથી દૂર રહેવાની સલાહ આપી છે.
સેબીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેના ધ્યાનમાં આવ્યું છે કે આગામી આઈપીઓ સાથે જોડાયેલા ગ્રે માર્કેટ પ્રીમિયમના આંકડા વિવિધ વેબસાઈટ્સ, ડિજિટલ પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા ચેનલ્સ અને કેટલાક બજાર સહભાગીઓ દ્વારા મોટા પાયે પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. આ આંકડાઓને ઘણીવાર એવી રીતે રજૂ કરાય છે જાણે તે શેરની લિસ્ટિંગ કિંમત અથવા સંભવિત વળતરનો સંકેત આપતા હોય. આ વલણ રોકાણકારોને ગેરમાર્ગે દોરી શકે છે અને મૂડીબજારમાં પારદર્શિતા તથા જવાબદેહીના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
સેબીએ સ્પષ્ટતા કરી છે કે ગ્રે માર્કેટમાં થતા વ્યવહારો માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જના માળખાની બહાર કરવામાં આવે છે. તેના પર કોઈપણ પ્રકારની નિયમનકારી દેખરેખ હોતી નથી. આ ઉપરાંત, રોકાણકારોને ન તો સેટલમેન્ટની કોઈ ગેરંટી મળે છે અને ન તો રોકાણકાર સુરક્ષાની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે. આ સોદાઓમાં ઔપચારિક કિંમત નિર્ધારણની પ્રક્રિયા પણ અનુસરવામાં આવતી નથી. તેથી, ગ્રે માર્કેટ પ્રીમિયમના આધારે રોકાણનો નિર્ણય લેવો અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
-
રજિસ્ટર્ડ સંસ્થાઓને GMP નો પ્રચાર ન કરવા નિર્દેશ
રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ તમામ રજિસ્ટર્ડ ઈન્ટરમીડિયરીઝ અને બજાર સહભાગીઓને કડક નિર્દેશ આપ્યા છે કે તેઓ પોતાની વેબસાઈટ, ઈમેઈલ, એસએમએસ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે અન્ય કોઈપણ માધ્યમ દ્વારાગ્રે માર્કેટ પ્રીમિયમનું પ્રકાશન, પ્રદર્શન કે પ્રસારણ ન કરે. નિયામકે કહ્યું છે કે બજારમાં સાચી, વિશ્વસનીય અને પારદર્શક માહિતી પૂરી પાડવી એ તમામ રજિસ્ટર્ડ સંસ્થાઓની જવાબદારી છે.
સેબીએ રોકાણકારોને ત્રણ મુખ્ય સલાહ આપી છે જે અનુસાર, ગ્રે માર્કેટ પ્રીમિયમને કોઈપણ શેરના સંભવિત લિસ્ટિંગ મૂલ્ય કે અપેક્ષિત વળતરનો સંકેત ન માનો. ગ્રે માર્કેટ પ્રીમિયમ સંબંધિત કોઈપણ અનૌપચારિક લેવડદેવડમાં ભાગ ન લો, કારણ કે તે નિયમનકારી માળખાની બહાર છે. આઈપીઓમાં રોકાણ અને તેને લગતી તમામ પ્રવૃત્તિઓ માત્ર સેબી-રજિસ્ટર્ડ ઈન્ટરમીડિયરી અને અધિકૃત પ્લેટફોર્મ મારફતે જ કરો.
-
વિવાદ થાય તો નહીં મળે કોઈ નિયમનકારી મદદ
નિયામકે ચેતવણી આપી છે કે જો ગ્રે માર્કેટ પ્રીમિયમ સંબંધિત કોઈ વ્યવહારમાં વિવાદ ઊભો થાય, તો રોકાણકારોને કોઈપણ પ્રકારની નિયમનકારી સહાય મળશે નહીં. આવા કિસ્સામાં ન તો સ્ટોક એક્સચેન્જની રોકાણકાર ફરિયાદ નિવારણ પ્રણાલી ઉપલબ્ધ થશે અને ન તો એક્સચેન્જ કે ડિપોઝિટરીની ઓનલાઈન વિવાદ નિવારણ (ODR) વ્યવસ્થાનો લાભ મળી શકશે.
સેબીએ રોકાણકારોને વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર સક્રિય સાયબર ઠગોથી પણ સતર્ક રહેવા જણાવ્યું છે. નિયામકના મતે, કેટલાક લોકો પોતાને સેબી-રજિસ્ટર્ડ ઈન્ટરમીડિયરી ગણાવીને રોકાણકારોને ‘ઈન્સ્ટિટ્યુશનલ ટ્રેડ’, ‘ગેરંટીડ રિટર્ન’ અથવા વિદેશી બજારોમાં થયેલા નુકસાનની ભરપાઈ જેવા ખોટા વચનો આપી લાલચ આપે છે. ત્યારબાદ રોકાણકારોને નકલી એપ અને અનધિકૃત પ્લેટફોર્મ પર લઈ જઈને તેમની રકમ બિન-રજિસ્ટર્ડ સંસ્થાઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવાય છે.
-
રોકાણ પૂર્વે સંસ્થાનું રજિસ્ટ્રેશન અવશ્ય તપાસો
સેબીએ સલાહ આપી છે કે કોઈપણ રોકાણ કરતા પહેલા સંબંધિત સંસ્થાનું રજિસ્ટ્રેશન સ્ટેટસ અવશ્ય ચકાસો. ગેરંટીડ રિટર્નના દાવાઓ પર વિશ્વાસ ન કરો અને બેંક ખાતા તથા યુપીઆઈની વિગતોની ખરાઈ કરો. આ ઉપરાંત, અજાણ્યા લોકો દ્વારા મોકલાયેલા રોકાણ સંબંધિત સોશિયલ મીડિયા ગ્રુપ્સથી દૂર રહેવું હિતાવહ છે.








