અમદાવાદ, 24 નવેમ્બર, 2026 : Congress to hold Constitution Protection March on Wednesday કોંગ્રેસ દ્વારા એસઆઈઆર પ્રક્રિયામાં કરોડો મતદારોના નામો કમી કરવાના આક્ષેપ સાથે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકૂમારના રાજીનામાની માગ સાથે દેશભરમાં ધરણા અને પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી તા. 25મી નવેમ્બરને બુધવારના રોજ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનથી સંવિધાન રક્ષા માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે.
દેશના ચૂંટણી પંચના મુખ્ય કમિશનર જ્ઞાનેશ કૂમારની કાર્યરીતિ સામે કોંગ્રેસે મોરચો માંડ્યો છે. અને જ્ઞાનેશ કૂમારના રાજીનામાંની માગ સાથે વિરોધ પ્રદર્શનો યોજવામાં આવી રહ્યા છે. તેની સામે ભાજપ દ્વારા ચૂંટણી કમિશનરનો બચાવ કરવામાં આવી રહ્યો છે. ભાજપે લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન શરૂ કર્યું હતું. હવે ભાજપ સામે કોંગ્રેસ દ્વારા સંવિધાન દિવસ નિમિતે લોકશાહી અને સંવિધાનના રક્ષણ માટે સંવિધાન રક્ષા માર્ચનું આયોજન છે.
અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની બેઠકમાં 26 નવેમ્બરના સંવિધાન દિવસ પર દરેક રાજ્યમાં મોટા કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. પક્ષના મહાસચિવ કે.સી. વેણુગોપાલ દ્વારા દરેક રાજ્યના પ્રદેશ પ્રમુખોને સંવિધાન દિવસ મોટા કાર્યક્રમ કરવા અને મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવા માટે સૂચના આપી હતી. તેને ધ્યાને લઈ ગુજરાત કોંગ્રેસ દ્વારા 25 નવેમ્બરે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનથી સંવિધાન રક્ષા માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે . લોકશાહીને ખતમ કરવાના અને જનતાના અધિકારો છીનવવાના ષડયંત્રોના આક્ષેપ સાથે ગુજરાતની જનતાનો હક અને અધિકારીના રક્ષણ માટે આ માર્ચ યોજવામાં આવશે.
શહેરના રાજીવ ગાંધી ભવન પર સંવિધાન માર્ચમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓની સાથે સાથે દરેક જિલ્લાઓમાંથી મોટી પણ સંખ્યામાં લોકો જોડાશે. જેમાં બંધારણના સ્થાપકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામુહિક રીતે બંધારણના પ્રસ્તાવનાનો પાઠ કરવા અને તેના મૂળ મૂલ્યો પર ભાર મૂકી તેનું રક્ષણ કરવા કાર્યકર્તાઓને પ્રતિજ્ઞા લેવડાવવાની પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કમિટી દ્વારા સૂચના આપવામાં આવી છે.








