Homeગુજરાતીગુજરાતદેશમાં પીવાના પાણીની ગુણવત્તા અંગે ચોંકાવનારા આંકડા: 45 લાખ સેમ્પલની તપાસમાં 82,180...

દેશમાં પીવાના પાણીની ગુણવત્તા અંગે ચોંકાવનારા આંકડા: 45 લાખ સેમ્પલની તપાસમાં 82,180 દૂષિત મળ્યા

નવી દિલ્હી, 23 નવેમ્બર 2026: દેશમાં પીવાના પાણીની ગુણવત્તાને લઈને સામે આવેલા સરકારી આંકડાઓ ચિંતા વધારનારા છે. જલ શક્તિ મંત્રાલયના જલ જીવન મિશનના ‘વોટર ક્વોલિટી મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ’ પોર્ટલ મુજબ, નાણાકીય વર્ષ 2026-27માં 21 નવેમ્બર 2026 સુધીમાં દેશભરની પ્રયોગશાળાઓમાં પાણીના કુલ 45,16,442 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 82,180 સેમ્પલ દૂષિત મળી આવ્યા છે, એટલે કે તપાસાયેલા કુલ સેમ્પલમાંથી અંદાજે 1.82 ટકા પાણી નિર્ધારિત માપદંડો મુજબ શુદ્ધ નથી.

જલ જીવન મિશનના પોર્ટલ અનુસાર, દેશભરમાં પાણીની ગુણવત્તા ચકાસવા માટે કુલ 2,882 લેબોરેટરી કાર્યરત છે, જેમાં 2,197 ઈન્સ્ટિટ્યૂશનલ લેબ અને 685 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થિત લેબનો સમાવેશ થાય છે. આ પૈકી 1,751 લેબ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ દ્વારા માન્યતા પ્રાપ્ત છે. લેબમાં દૂષિત મળી આવેલા 82,180 સેમ્પલ સામે માત્ર 26,576 કિસ્સાઓમાં જ સુધારાત્મક કાર્યવાહી (રેમેડિયલ એક્શન) નોંધાઈ છે.

રાજ્યવાર આંકડાઓમાં પશ્ચિમ બંગાળની સ્થિતિ સૌથી ગંભીર છે. અહીં 1,12,816 સેમ્પલની તપાસમાં 20,703 સેમ્પલ (18.35%) દૂષિત મળ્યા છે, જે દર્શાવે છે કે રાજ્યમાં અંદાજે દર પાંચમું સેમ્પલ દૂષિત છે. બંગાળમાં 241 તપાસ લેબ હોવા છતાં પોર્ટલના લેબ ડેટામાં દૂષિત સેમ્પલ સામે સુધારાત્મક કાર્યવાહીની સંખ્યા શૂન્ય નોંધાઈ છે, જોકે ફિલ્ડ ટેસ્ટિંગ કિટ (FTK) ના આંકડાઓમાં 31,074 તપાસ સામે 20,485 કાર્યવાહી નોંધાઈ છે.

આ યાદીમાં કેરળ બીજા સ્થાને છે, જ્યાં 2,10,353 સેમ્પલની તપાસમાં 19,558 (9.30%) દૂષિત મળ્યા છે અને 4,276 કિસ્સાઓમાં કાર્યવાહી કરાઈ છે. મહારાષ્ટ્રમાં 3,81,367 તપાસમાં 14,449 દૂષિત સેમ્પલ મળ્યા, જેમાંથી 9,193માં સુધારાત્મક પગલાં લેવાયા છે. કર્ણાટકમાં 2,02,968 તપાસમાં 7,574, હરિયાણામાં 1,12,737માંથી 4,752, સિક્કિમમાં 4,962માંથી 3,666, રાજસ્થાનમાં 33,041માંથી 3,253, ઉત્તર પ્રદેશમાં 2,85,556માંથી 1,883, મિઝોરમમાં 6,497માંથી 1,574 અને ઓડિશામાં 1,77,327 તપાસમાં 1,466 સેમ્પલ દૂષિત મળી આવ્યા છે.

ગુજરાત અને અન્ય રાજ્યોની સ્થિતિ

ગુજરાતમાં 3,40,202 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 764 સેમ્પલ દૂષિત મળી આવ્યા છે. આ ઉપરાંત આસામમાં 1,29,750 તપાસમાં 800, ઉત્તરાખંડમાં 84,576માંથી 626 અને પંજાબમાં 47,265 તપાસમાં 477 સેમ્પલ દૂષિત મળ્યા છે. દેશમાં સૌથી વધુ 6,37,615 સેમ્પલની તપાસ તમિલનાડુમાં થઈ હતી, જ્યાં માત્ર 78 સેમ્પલ દૂષિત મળ્યા હતા અને તેમાંથી 77માં કાર્યવાહી પૂર્ણ કરાઈ છે. બીજી તરફ આંધ્ર પ્રદેશ (3,82,849 તપાસ), તેલંગાણા (1,72,608 તપાસ), અરુણાચલ પ્રદેશ, મણિપુર અને નાગાલેન્ડમાં લેબ તપાસ દરમિયાન એક પણ દૂષિત સેમ્પલ નોંધાયું નથી.

પાણીની ગુણવત્તાની દેખરેખ હવે માત્ર પ્રયોગશાળાઓ પૂરતી મર્યાદિત રહી નથી. દેશના 5,07,642 ગામડાઓમાં 24,80,533 મહિલાઓને ફિલ્ડ ટેસ્ટિંગ કિટ (FTK) દ્વારા પાણીની તપાસ કરવાની તાલીમ આપવામાં આવી છે. પોર્ટલ મુજબ, 2,87,075 ગામડાઓમાં FTK મારફતે કુલ 82,80,471 તપાસ કરવામાં આવી છે, જેનાથી ગ્રામીણ સ્તરે શુદ્ધ પાણીની જાગૃતિ અને લોકભાગીદારીમાં નોંધપાત્ર વધારો થયો છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img