ઈમ્ફાલ, 22 નવેમ્બર 2026: મણિપુરના ચંદેલ જિલ્લામાં, છેલ્લા કેટલાક દિવસોમાં ઝેરી દારૂ પીવાને કારણે 16 લોકોના મૃત્યુ થયા છે. આમાંથી ત્રણ મૃત્યુ શનિવારે થયા હતા. પોલીસ મહાનિરીક્ષક (IGP) થેમથિંગ નગાશાંગવાએ જણાવ્યું હતું કે, 18 નવેમ્બરથી ચંદેલ જિલ્લાના ચકપીકારોંગ સબ-ડિવિઝન અને આસપાસના વિસ્તારોમાં લોકો દારૂ પીધા બાદ બીમાર પડી રહ્યા છે.
અત્યાર સુધીમાં લગભગ 600 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ લોકોએ કથિત રીતે ભેળસેળયુક્ત દારૂનું સેવન કર્યું હતું. ઝેરી દારૂ પૂરો પાડવાના આરોપસર છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ દારૂના સ્ત્રોતનો પત્તો લગાવવા માટે તપાસ કરી રહી છે.
નાગાહસાંગવાએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, આબકારી વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમોએ સુગનુ અને ચકપીકારૉંગ (ચંદેલ જિલ્લામાં) સ્થિત હોસ્પિટલોની મુલાકાત લીધી હતી, જેથી દર્દીઓની સ્થિતિ જાણી શકાય અને રાહત કામગીરીનું મૂલ્યાંકન કરી શકાય. મણિપુર સરકારે આ ઘટનાની તપાસ માટે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની પણ રચના કરી છે. આ સમિતિ દારૂના સ્ત્રોત, તેમાં રહેલા રસાયણો, મૃત્યુના કારણો અને વહીવટી બેદરકારીને લગતા મુદ્દાઓની તપાસ કરશે. સમિતિએ એક મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરવાનો રહેશે.
મણિપુર પોલીસ અને આબકારી વિભાગની ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. તેમને તપાસ અભિયાનો હાથ ધરવા, ગેરકાયદેસર દારૂ જપ્ત કરવા, અને વેચાણના સ્થળો તેમજ ઉત્પાદન એકમોમાંથી પ્રયોગશાળામાં પરીક્ષણ માટે નમૂના એકત્રિત કરવા સૂચના આપવામાં આવી છે. આ પહેલાં, શુક્રવારે મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે હોસ્પિટલોની મુલાકાત લીધી હતી અને ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે મુલાકાત કરી હતી.
વધુ વાંચો: ફતેહપુરમાં ઓવરટેકનો પ્રયાસ બન્યો જીવલેણ! ટૂરિસ્ટ બસ ટ્રક સાથે અથડાઈ, 2નાં મોત અને 15 ઘાયલ








