Homeગુજરાતીગુજરાતવડનગરમાં આજથી બે દિવસીય તાના-રીરી મહોત્સવ-2026 યોજાશે

વડનગરમાં આજથી બે દિવસીય તાના-રીરી મહોત્સવ-2026 યોજાશે

મહેસાણા, 19 નવેમ્બર, 2026 : Tana-Riri Festival-2026 ઐતિહાસિક નગરી વડનગર ખાતે ગુજરાતની અલૌકિક સંગીત બેલડી તાના અને રીરીની સ્મૃતિમાં આગામી ૧૯ અને ૨૦ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ‘તાના-રીરી મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી-ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર-મહેસાણાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ વડનગરના ઘાસકોર દરવાજા પાસે આવેલા તાના-રીરી સમાધિ સ્થળ ખાતે યોજાશે. બંને દિવસ દરમિયાન સાંજે ૬:૩૦ કલાકે સંગીત સમારોહનો પ્રારંભ થશે, જેમાં દેશભરના નામાંકિત કલાકારો પોતાની કલાની પ્રસ્તુતિ કરશે.

મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે ૧૯ નવેમ્બર, ૨૦૨૬ ગુરૂવારના રોજ શાસ્ત્રીય સંગીત અને લોકકલાનો અદભૂત સંગમ જોવા મળશે. કાર્યક્રમના પ્રારંભમાં કુમારી સૂર્યા ગાયત્રી દ્વારા શાસ્ત્રીય ગાયન રજૂ કરવામાં આવશે. ત્યારબાદ પદ્મશ્રી પંડિત તેજેન્દ્ર નારાયણ અને વિદ્વાન કુમારેશ રાજગોપાલન દ્વારા શાસ્ત્રીય જુગલબંધીની પ્રસ્તુતિ કરવામાં આવશે જે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે. પ્રથમ દિવસના અંતિમ ચરણમાં  હાર્દિક દવે લોકકલા ક્ષેત્રની વિવિધ કૃતિઓ રજૂ કરીને સાંસ્કૃતિક વારસાની ઝલક આપશે.

મહોત્સવના બીજા દિવસે ૨૦ નવેમ્બર, ૨૦૨૬ શુક્રવારના રોજ પંડિત જયતીર્થ મેવુન્ડી પોતાના શાસ્ત્રીય ગાયનથી કાર્યક્રમની શરૂઆત કરશે. ત્યારબાદ પંડિત પૂર્વાંયન ચેટર્જી અને તેમના વૃંદ દ્વારા શાસ્ત્રીય વાદન રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત  ભૌમિક શાહ લોકકલા ક્ષેત્રે પોતાની વિશિષ્ટ પ્રસ્તુતિ આપશે.

આ મહોત્સવ દરમિયાન સંગીત ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓનું ‘તાના-રીરી એવોર્ડ’ આપીને સન્માન કરવામાં આવશે. વર્ષ ૨૦૨૬ માટે સુશ્રી હેતલ મહેતા જોષી અને સુશ્રી માલિની અવસ્થીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવશે.

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું વડનગર ઇતિહાસ, કલા અને સંસ્કૃતિનું સંગમસ્થાન છે. ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરીએ સંગીતની આરાધના કરીને રાગો પર પ્રભુત્વ મેળવ્યું હતું. સંગીત સમ્રાટ તાનસેનને જ્યારે રાગ દીપક ગાયા પછી શરીરમાં અગનજ્વાળાઓ ઉપડી હતી, ત્યારે તાના અને રીરીએ વડનગરના શર્મિષ્ઠા તળાવના કિનારે મલ્હાર રાગનું ગાન કરીને તાનસેનના શરીરનો દાહ શાંત કર્યો હતો. આ સંગીત બેલડીના આત્મબલિદાન અને તેમની સ્મૃતિને જીવંત રાખવા માટે પ્રતિવર્ષ આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સંગીત પ્રેમી જનતાને આ મહોત્સવનો લાભ લેવા માટે વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. (File photo)

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img