Homeગુજરાતીદેશ-વિદેશબંગાળની ખાડીમાં ફરી ચક્રવાતનું સંકટ! ઓડિશામાં હવામાન વિભાગનું એલર્ટ

બંગાળની ખાડીમાં ફરી ચક્રવાતનું સંકટ! ઓડિશામાં હવામાન વિભાગનું એલર્ટ

ભુવનેશ્વર, 22 નવેમ્બર 2026: બંગાળની ખાડીમાં ફરી એકવાર ચક્રવાતી પ્રણાલી (સાયક્લોનિક સિસ્ટમ) સર્જાવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ આ અંગે સંકેત આપ્યો છે.

ગયા ગુરુવારે જાહેર કરાયેલા 15 દિવસના વિસ્તૃત હવામાન અનુમાનમાં આ શક્યતા દર્શાવવામાં આવી છે. જોકે, સંભવિત પ્રણાલીનું સ્થાન, તીવ્રતા અને સ્વરૂપ હજુ સ્પષ્ટ નથી.

મહાપાત્રાના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સામાન્ય રીતે દર વર્ષે લગભગ પાંચ ચક્રવાત રચાય છે. તેમાંથી ત્રણથી ચાર ચક્રવાત ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન સર્જાય છે, જ્યારે એકથી બે ચક્રવાત એપ્રિલ, મે અને જૂન મહિનામાં રચાય છે.

આ વર્ષે અત્યાર સુધીમાં બંગાળની ખાડીમાં ત્રણ ચક્રવાત સર્જાયા છે. નોંધવામાં આવ્યું છે કે દેશમાં 1987 પછી આવી હવામાન પરિસ્થિતિ જોવા મળી નથી. વર્તમાન પ્રવૃત્તિને પ્રબળ ‘એલ નીનો’ (El Niño) સાથે પણ સાંકળી શકાય છે.

જોકે તાજેતરમાં રચાયેલી કોઈ પણ પ્રણાલી તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ન હતી, તેમ છતાં એક પછી એક ચક્રવાતી પ્રણાલીઓ વિકસી હતી અને તેની અસર ઓડિશા તથા આંધ્રપ્રદેશમાં જોવા મળી હતી.

રોજિંદા હવામાનની દેખરેખ

IMDના મહાનિર્દેશકે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં કોઈ નવા ચક્રવાત અંગે કોઈ ચોક્કસ આગાહી નથી. હવામાન વિભાગ દૈનિક ધોરણે હવામાનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જો કોઈ નવી પ્રણાલી (સિસ્ટમ) વિકસે છે, તો તે અંગે તાત્કાલિક આગાહી જાહેર કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચક્રવાતની આગાહીની ચોકસાઈમાં નોંધપાત્ર સુધારો થયો છે. આનાથી સંભવિત જોખમો અંગે અગાઉથી ચેતવણી મળી રહે છે, જેનાથી વહીવટીતંત્રને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે તેમજ રાહત અને બચાવ કામગીરીની તૈયારી કરવા માટે પૂરતો સમય મળી રહે છે.

વધુ વાંચો: મણિપુરમાં ઝેરી દારૂનો કહેર! 16 લોકોનાં કરુણ મોત, 600થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img