અમદાવાદ, 8 ઓક્ટોબર, 2026 : Mass copying in 4 engineering college exams ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન ચાર એન્જિનિયરિંગ કોલેજોના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓની ઉત્તરવહિઓના મૂલ્યાંકનમાં તમામનું એક સરખુ જ લખાણ હોવાથી માસ કોપીનો કેસ ગણીને માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ કોલેજોને લાખો રૂપિયાનો દંડ ફટકારવાની સાથે પરીક્ષા કેન્દ્રો પણ રદ કરી દેવામાં આવ્યા છે. જીટીયુના પરીક્ષા વિભાગ દ્વારા કડક નિર્ણય લેવાતા ખાનગી ઈજનેરી કોલેજોના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયા છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી ઈજનેરીની વિવિધ વિદ્યાશાખાઓની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓનું લખાણ એકસરખું જોવા મળ્યું હતું. આ શંકાસ્પદ બાબત ધ્યાને આવતા પરીક્ષા કેન્દ્રોના CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. ફૂટેજમાં વિદ્યાર્થીઓ એકબીજાને સાહિત્ય આપતા અને મોબાઈલમાંથી જોઈને લખતા સ્પષ્ટ જોવા મળ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે રાજકોટની અર્પિત કોલેજમાં પહેલા દિવસે 19 અને બીજા દિવસે 23 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા છે. જ્યારે સુરતની માંડવી ઇન્સ્ટિટ્યૂટના 41, કડીની વી.કે. પટેલ ડિપ્લોમા કોલેજના 13 અને ગડુંની દધીચિ ડિપ્લોમા કોલેજના 13 વિદ્યાર્થીઓ માસ કોપી કરતા ઝડપાયા છે. વિદ્યાર્થીઓને ગેરરીતિ કરવા માટે છૂટો દોર આપવા બદલ GTU દ્વારા આ ચારેય કોલેજો સામે દાખલારૂપ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટની અર્પિત કોલેજ અને સુરત જિલ્લાની માંડવી ઇન્સ્ટિટ્યૂટને બે-બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, તેમજ આગામી બે વર્ષ માટે આ બંને કોલેજોના પરીક્ષા કેન્દ્રો રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, કડીની વી.કે. પટેલ કોલેજ અને ગડુની દધીચી કોલેજને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને એક વર્ષ માટે તેમના પરીક્ષા કેન્દ્રો રદ કરવામાં આવ્યા છે.


