અમદાવાદ, 6 જુલાઈ, 2026 : Police hold flag march along the Rath Yatra route શહેરમાં અષાઢી બિજના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી નગર પરિક્રમાએ નિકળશે. ભગવાનની રથયાત્રા માટે મંદિર દ્વારા ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાતા હોવાથી રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે અમદાવાદ સિટી પોલીસે કમર કસી છે. રથયાત્રાના રૂટ પર કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે ગત મોડી રાત્રે પોલીસે ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું. આ ફ્લેગ માર્ચમાં ઉચ્ચ અધિકારીઓ સહિત 500થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા.
ભગવાન જગન્નાથજીની આગામી 149મી રથયાત્રા શાંતિ અને સલામતી સાથે પૂર્ણ થાય તે હેતુથી અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવાના ભાગરૂપે ગત મધ્યરાત્રિએ પોલીસ વિભાગ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર એક ભવ્ય ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી. સુરક્ષાની આ કવાયતમાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 500થી વધુ પોલીસ જવાનોએ ભાગ લઈને ચુસ્ત બંદોબસ્તની સમીક્ષા કરી હતી. ગઈ રાત્રે પોલીસ જવાનોની ફ્લેગ માર્ચ પહેલાં સાંજના સમયે નવ નિયુક્ત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતના નેતૃત્વ હેઠળ જમાલપુરથી રથયાત્રાના રૂટનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રિના 11 કલાકથી સેક્ટર-1ના જેસીપી નીરજ બડગુજર અને ડીસીપી રૂપાલ સોલંકીની આગેવાનીમાં ફ્લેગ માર્ચની શરૂઆત થઈ હતી. આ માર્ચમાં ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર, શહેરકોટડા, શાહપુર અને દરિયાપુર સહિતના વિવિધ પોલીસ મથકોના પીઆઇ અને પોલીસકર્મીઓ મોટી સંખ્યામાં ખડેપગે જોડાયા હતા.
પોલીસની આ સઘન ફ્લેગ માર્ચ જમાલપુર દરવાજાથી પ્રસ્થાન પામીને કાલુપુર, દરિયાપુર, શાહપુર, રાયખડ, આસ્ટોડિયા, સરસપુર અને ખાડિયા વિસ્તારોમાંથી પસાર થઈ અંતે પરત નિજ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ રૂટ માર્ચ દરમિયાન ખાસ કરીને રથયાત્રાના માર્ગ પર આવતા તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેથી યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને.


