Site icon Revoi.in

દિલ્હીના જંતર-મંતર પર CJPનો ચલો સંસદ માર્ચ: પોલીસ અને વિરોધ પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ

Social Share

નવી દિલ્હી, 20 જૂન 2026: કથિત NEET પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આહવાત ‘ચલો સંસદ’ માર્ચ દરમિયાન દિલ્હીના જંતર-મંતર પર સોમવારે ભારે હોબાળો મચી ગયો હતો. સંસદ ભવન તરફ આગળ વધી રહેલા પ્રદર્શનકારીઓ અને દિલ્હી પોલીસ વચ્ચે તીવ્ર ઝપાઝપી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.

વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને કાર્યકરોએ સંસદ તરફ જવા માટે પોલીસે લગાવેલા ભારે બેરિકેડ્સ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ પોલીસે બળપ્રયોગ કરીને તેમને પાછળ ધકેલ્યા હતા. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં ૫,૦૦૦થી વધુ પોલીસ જવાનો અને દંગા-રોધી (Anti-Riot) વાહનો ગોઠવી દેવામાં આવ્યા હતા. કેટલાક સ્થાનિક અહેવાલોમાં લાઠીચાર્જના દાવા કરવામાં આવ્યા હતા, જોકે પોલીસે તેને સત્તાવાર રીતે સમર્થન આપ્યું નથી.

સુરક્ષાના કારણોસર જંતર-મંતર નજીક આવેલું પટેલ ચોક મેટ્રો સ્ટેશન અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું હતું. પ્રદર્શન સ્થળ અને આસપાસના વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક મર્યાદિત કરવા માટે સિગ્નલ જેમોર લગાવાયા હતા. દિલ્હી-ગાઝિયાપુર બોર્ડર સહિતની તમામ સરહદો પર પણ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. આ માર્ચ પહેલા મંડી હાઉસ મેટ્રો સ્ટેશન પાસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને ત્યાંથી નારેબાજી કરતા જંતર-મંતર પહોંચ્યા હતા.

સ્થિતિ અંગે સ્પષ્ટતા કરતા દિલ્હી પોલીસે એક યાદી જાહેર કરીને જણાવ્યું છે કે, મીડિયામાં ચાલી રહેલા પોલીસ હિંસા અને વિરોધ પ્રદર્શનકારીઓની અટકાયતના અહેવાલો પાયાવિહોણા છે. પોલીસે આ પ્રદર્શનને પ્રોફેશનલ રીતે હેન્ડલ કર્યું છે. પોલીસે નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે NEET પરીક્ષામાં કથિત ગડબડી અને પેપર લીકના વિરોધમાં જંતર-મંતર પર છેલ્લા એક મહિનાથી વધુ સમયથી આંદોલન ચાલી રહ્યું છે. પ્રદર્શનકારીઓની મુખ્ય માગણી પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવાની અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની છે.

Exit mobile version