કોલકાતા, 26 જાન્યારી 2026: પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા અને વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. રાજ્યની રાજધાની કોલકાતાના બેહાલા વિસ્તારમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને વિપક્ષી દળ ભાજપના સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. આ હિંસક ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબની સભા માટે બનાવેલા હંગામી મંચને પણ આગ ચાંપી દેવામાં આવતા વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, દક્ષિણ-પશ્ચિમ કોલકાતાના બેહાલાના સખેરબજાર વિસ્તારમાં એક સ્થાનિક ક્લબ દ્વારા લાઉડસ્પીકર (માઈક) ના ઉપયોગને લઈને વિવાદ શરૂ થયો હતો. આ બોલાચાલી જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. આ દરમિયાન એક હંગામી મંચ, જ્યાં બપોરે ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબે જનસભાને સંબોધિત કરી હતી, તેને કથિત રીતે આગ લગાડવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
બેહાલા પૂર્વના TMC ધારાસભ્ય રત્ના ચેટર્જીએ આ સમગ્ર ઘટના માટે ભાજપને જવાબદાર ગણાવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે બેડમિન્ટન ટુર્નામેન્ટ દરમિયાન કેટલાક ભાજપ સમર્થકોએ ક્લબના સભ્યો સાથે ગેરવર્તન કર્યું હતું. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે ભાજપના લોકોએ જ પહેલા ઉશ્કેરણી કરી હતી અને મંચને આગ પણ તેમના જ સમર્થકોએ લગાડી છે.
બીજી તરફ, ભાજપના સ્થાનિક નેતાઓએ આ આરોપોને ફગાવી દેતા TMC પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપનો આરોપ છે કે TMC ના ગુંડાઓએ જાણીજોઈને તે મંચને નિશાન બનાવ્યો છે જ્યાંથી બિપ્લબ દેબે રેલી સંબોધી હતી. આ મંચ ભાજપની ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો. ભાજપે આક્ષેપ કર્યો છે કે TMC ના કાર્યકરો ભાજપના દરેક કાર્યક્રમને નિશાન બનાવી લોકશાહીનું ગળું ઘોંટી રહ્યા છે. ઘટનાને પગલે પોલીસે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને સ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે.
આ પણ વાંચોઃ ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો

