નવી દિલ્હીઃ દેશમાં ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને સત્તાથી દુર રાખવા માટે વિપક્ષી દળોએ I.N.D.I.A નામે ગઠબંધન બનાવ્યું છે. જો કે, ગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે આંતરિક ખેંચતાણ અને તકરાર ખતમ થવાનું નામ જ નહીં લેવી હોવાનું લાગી રહ્યું છે. પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માનએ કોંગ્રેસને લઈને કરેલા નિવેદનના પગલે કોંગ્રેસે પણ આદ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યાં છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ દાવો કર્યો હતો કે, દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસ હવે પંજાબ અને દિલ્હીમાં ઈતિહાસ બની ચુકી છે. આ મુદ્દે કોંગ્રેસના સિનિયર નેતા પવન ખેરાએ આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી. તેમજ આમ આદમી પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાન વિધારધારા વાળા હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેઓ કોંગ્રેસ મુક્ત ભારતનો દ્રષ્ટીકોણ રાખતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને પવન ખેરાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારો મળતા આવે છે. બંનેના સપના કોંગ્રેસ મુક્ત ભારતના છે, બંનેના આ સ્વપ્ન પૂર્ણ થવાના નથી. આમ પણ ભોજપુરી ફિલ્મનું નામ છે કે, એક થા જોકર, તમે જોઈ જ હશે.
પ્રતાપસિંહ બાજવા સહિત કોંગ્રેસના અનેક નેતાઓએ પાર્ટી કેડરની ભાવનાઓનો હવાલો આપીને લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનથી રાજી નહીં હોવાનું જાણવા મળે છે. દરમિયાન એક પરેસ કોન્ફરન્સમાં ભગવંત માનએ કહ્યું કે, પંજાબ અને દિલ્હીમાં માતાઓ પોતાના બાળકોને દુનિયાની સૌથી નાની વાર્તા સંભળાવે છે, એક હતી કોંગ્રેસ.