લખનૌ, 28 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે પોતાના સૌથી ભરોસાપાત્ર અને કદાવર પૂર્વ IAS અધિકારી અવનીશ કુમાર અવસ્થી પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મુખ્ય સલાહકાર તરીકે તેમના કાર્યકાળને વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. આ નવા આદેશ મુજબ, હવે તેઓ 28 ફેબ્રુઆરી 2027 સુધી આ મહત્વપૂર્ણ પદ પર પોતાની સેવાઓ આપતા રહેશે.
ઓગસ્ટ 2022માં નિવૃત્ત થયેલા 1987 બેચના IAS અધિકારી અવનીશ અવસ્થીને તેમની નિવૃત્તિ બાદ તરત જ મુખ્યમંત્રીના વહીવટી સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ તેઓ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ જેવા અત્યંત મહત્વના અને સંવેદનશીલ પદો પર રહી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશમાં એક્સપ્રેસ-વે નિર્માણથી લઈને રાજ્યની કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા સુધીના યુપીના અનેક મોટા પ્રોજેક્ટ્સમાં તેમની ભૂમિકાને ‘ગેમ ચેન્જર’ માનવામાં આવે છે.
નોંધનીય છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના તાજેતરના જાપાન અને સિંગાપોર પ્રવાસમાં પણ અવનીશ અવસ્થી તેમની સાથે જોડાયા હતા. મુખ્યમંત્રી વિદેશ પ્રવાસથી પરત ફર્યા કે તરત જ રાજ્ય સરકારે તેમના સેવા વિસ્તરણનો સત્તાવાર આદેશ જારી કરી દીધો હતો. વર્ષ 2022માં નિવૃત્ત થયા બાદ અવનીશ અવસ્થીને આ સતત ચોથી વખત એક્સટેન્શન (સેવા વિસ્તરણ) આપવામાં આવ્યું છે.
આ રાજકીય અને વહીવટી નિર્ણય પાછળ મોટું કારણ આગામી ચૂંટણીઓ હોવાનું મનાઈ રહ્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે, 2027ની યુપી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અવસ્થીની વહીવટી કુશળતા અને બહોળો અનુભવ યોગી સરકાર માટે અત્યંત મહત્વપૂર્ણ અને ફાયદાકારક સાબિત થશે.
આ પણ વાંચોઃ એસિડિટીમાં આ ફળો ખાવાની ભૂલ ન કરતા, મુશ્કેલીઓ વધશે

