અમદાવાદ, 9 એપ્રિલ, 2026 – ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (જીસીસીઆઈ) દ્વારા આયોજિત એક અઠવાડિયાના હસ્તકલા જ્વેલરી વર્કશોપનું સમાપન થયું છે. GCCI ખાતે આ જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સ દ્વારા 1 એપ્રિલ, 2026થી 7 એપ્રિલ, 2026 દરમિયાન “હસ્તકલા જ્વેલરી” પર પ્રમાણપત્ર તાલીમ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. CED તાલીમ કેન્દ્રના મેજિકલ ટ્રેન્ડના સ્થાપક શ્રીમતી અંકિતાબેન બ્રહ્મભટ્ટે સમગ્ર વર્કશોપનું સંચાલન કર્યું હતું.
સાત દિવસની વ્યાપક તાલીમમાં હસ્તકલા જ્વેલરીના વિવિધ પાસા જેમ કે ગુંથણી, લટકણ/ઢીંગલી, છેડીયુ, ગળાનો હાર, કાનની વીંટી અને વાળના એસેસરીઝનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ગુજરાત હંમેશા તેના પરંપરાગત રત્નો અને જ્વેલરી માટે પ્રખ્યાત રહ્યું છે અને GCCI દ્વારા આયોજિત વર્કશોપમાં તાલીમાર્થીઓને અનુભવી ટ્રેનર પાસેથી આ હસ્તકલા શીખવાની અને પ્રસ્તુત તાલીમનો ઉપયોગ પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા કોઈ હેતુપૂર્ણ રોજગાર મેળવવા માટે કરવાની તક પ્રાપ્ત થયો છે.
GCCI જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સના ચેરમેન શ્રી વિપુલભાઈ મહેતાએ અઠવાડિયા સુધી ચાલેલા વર્કશોપ બાબતે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી તેમજ ઉમેર્યું હતું કે GCCI જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સ આવા ઘણા અર્થપૂર્ણ પ્રોજેક્ટ્સનું આયોજન કરવા કટિબદ્ધ છે.
સમાપન સમારંભમાં GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશભાઈ ગાંધીએ તમામ તાલીમાર્થીઓને “તાલીમ પ્રમાણપત્ર” અર્પણ કર્યા હતા અને તેઓના પ્રયાસો બદલ સૌ તાલીમાર્થીઓને અભિનંદન આપ્યા હતા અને સફળતાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે GCCI જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સને તાલીમનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા અને શ્રીમતી અંકિતાબેન બ્રહ્મભટ્ટનો પણ કિંમતી સમય ફાળવી આ તાલીમ પુરી પાડવા માટે આભાર માન્યો હતો.
GCCI ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અપૂર્વ શાહે પણ વર્કશોપના સમાપન સત્રમાં હાજરી આપી હતી અને તમામ સફળ તાલીમાર્થીઓને અભિનંદન આપ્યા હતા.

