Site icon Revoi.in

ખાનગી શાળાઓમાં આગામી ત્રણ વર્ષ સુધી ફી વધારાને મંજુરી ન આપવા વાલી મંડળની માગ

Social Share

અમદાવાદઃ  રાજ્યમાં ખાનગી શાળાઓના સંચાલકો ફી વધારવા માટેની માગણી કરી રહ્યા છે. કોરોનાને કારણે શાળા સંચાલકોને પણ નુકશાન વેઠવું પડ્યુ હોવાનો શાળા સંચાલકો દાવો કરી રહ્યા છે. અને હાલનું ફી માળખુ છે એમાંથી શાળાનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો હોવાનું રટણ કરીને શાળા સંચાલકોએ ફી વધારા માગી રહ્યા છે. ત્યારે વાલી મંડળે આગામી ત્રણ વર્ષ સુધી ફી વધારાને મંજુરી ન આપવા સરકાર સમક્ષ માગણી કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ખાનગી શાળાઓના સંચાલકો ફી વધારાની માગણી કરી રહ્યા છે.આગામી દિવસોમાં સ્કૂલોએ ફી વધારા માટે FRCમાં દરખાસ્ત મુકવાની રહેશે, ત્યાર બાદ FRC દ્વારા સ્કૂલોને ફી વધારવા માટે નિર્ણય કરવામાં આવશે. ત્યારે આગામી 3 વર્ષ સુધી FRC દ્વારા ફી માં વધારો ના આપવા વાલી મંડળે માંગ કરી છે. ફીમાં વધારો કરવામાં આવશે તો આગામી ચૂંટણીમાં વાલીઓ  સરકારનો વિરોધ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે, કોરોનાને કારણે વર્ષ 2020-21માં સ્કૂલોમાં 25 ટકા ફી માફી આપવામાં આવી હતી. ત્યાર બાદ 2021-22માં પણ આ નિર્ણય ચાલુ રાખવા પૂર્વ શિક્ષણમંત્રીએ નિર્ણય કર્યો હતો, પરંતુ તેનો અમલ થયો નહતો અને 9 મહિના સ્કૂલો બંધ રહી છતાં પૂરેપૂરી ફી વસુલવામાં આવી હતી. આગામી FRCમાં 3 વર્ષ માટેની ફી જાહેર થવાની છે ત્યારે વર્ષ 2021-22માં 25 ટકા માફી થઈ નથી તો 2022-23માં કોઈ પણ ફી વધારો આપવો નહિ એટલે કે વર્ષ 2020-21 માં જે ફી લેવામાં આવી હતી તે પ્રમાણે જ ફી લેવામાં આવે. જો નવા વર્ષમાં FRC સ્કૂલોને ખોટા એફિડેવિટ અને ખોટા ઓડિટ મૂકી મસમોટી ફી મંજુર કરાવશે તો આગામી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં 1.50 થી 2 કરોડ વાલીઓ સરકારનો વિરોધ કરશે.