Site icon Revoi.in

રાજકોટમાં રાહુલ ગાંધીની સભા પહેલા જ કોંગ્રેસના પોસ્ટર-ઝંડા હટાવાતા કોંગ્રેસે કરી ફરિયાદ

Social Share

રાજકોટઃ શહેર અને જિલ્લામાં ચૂંટણી પુરચારનો માહોલ જામ્યો છે. આજે શહેરના શાસ્ત્રી મેદાનમાં કોંગ્રેસના રાહુલા ગાંધીની સભા યોજાઈ તે પહેલા જ આસપાસના વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા બેનર્સ અને પોસ્ટર્સ તેમજ કોંગ્રેસની ઝંડીઓ તંત્ર દ્વારા હટાવી લેવામાં આવતા કોંગ્રસે આ સંદર્ભે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. કેટલાક અધિકારીઓ ભાજપને વહાલા થવા માટે માત્ર કોંગ્રેસના બેનર્સ અને પોસ્ટર્સ હટાવવામાં આવતા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેર સભાનું  આજે રાજકોટના શાસ્ત્રીમેદાન ખાતે આયોજન કરાયું હતું. રાહુલ ગાંધીના આગમન પહેલા કોંગ્રેસના કાર્યકરો દ્વારા રાજકોટના વિવિધ વિસ્તારમાં કોંગ્રેસના ઝંડા લગાવવામાં આવ્યા હતા. વિવિધ વિસ્તારમાં કોંગ્રેસના હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા હતા. જો કે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે 20 નવેમ્બરે સત્તાનો દુરુપયોગ કરીને તંત્ર દ્વારા કોંગ્રેસના ઝંડા શહેરમાંથી હટાવી લેવામાં આવ્યા હતા. જેને લઇને કોંગ્રેસ કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઇને કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી કમિશનને આ અંગેની ફરિયાદ કરી છે. અને જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાની માગ કરી છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ ભાજપ અથવા તો અન્ય કોઇ પાર્ટીની સભા હોય છે. ત્યારે તે પક્ષના ઝંડા રાખવામાં આવતા હોય છે. પણ કોંગ્રેસ પર કિન્નાખોરી રાખીને આ ઝંડા દુર કરવામાં આવતા હોય છે. આ વખતે પણ રાહુલ ગાંધીના આગમન પહેલા કોંગ્રસ દ્વારા લગાવાયેલા ઝંડા દુર કરવામાં આવ્યા છે ત્યારે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ત્યારે બીજી બાજુ આજે ભાજપ, કોંગ્રેસ અને AAPના દિગ્ગજોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. આજે રાજ્યમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા, આપના રાજ્યસભા સાંસદ સંજયસિંહ, AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણીપ્રચાર માટે ગુજરાતના પ્રવાસે છે. રાજકોટમાં આજે રાહુલ ગાંધીની સભા યોજાય તે પહેલા તંત્રની હરકતથી રાજકારણમાં વિવાદ સર્જાયો છે.  શહેરના 150 ફૂટ રીંગ રોડ અને રેસકોર્સ હિતના વિસ્તારોમાં સરકારી તંત્રએ કોંગ્રેસના ઝંડાઓ દૂર કરી નાંખતાં રાજકીય માહોલ ગરમ થયો છે. ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના નેતાઓને એવું આશ્વાસન આપ્યું હતું કે, અમે જવાબદારો સામે પગલાં લઈશું.