અમદાવાદઃ ગુજરાત યુનિવર્સીટીએ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન ફીમાં ધરખમ વધારો કર્યો છે. માર્કશીટ વેરિફિકેશનનાં રૂ.50 થી વધારી રૂ.404 કરાયા છે. જ્યારે ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન અને સીલકવરનાં રૂ.500થી વધારી રૂ.736 કરાયા છે, આ ઉપરાંત ડિગ્રી વેરિફિકેશનનાં રૂ.200થી વધારી રૂ.554 અને માઇગ્રેશન સર્ટીફીકેટનાં રૂ.110 થી વધારી રૂ.452 કરાયા છે, તેમજ પ્રોવિઝનલ સર્ટીફીકેટની ફીમાં પણ 236 રૂપિયાનો વધારો ઝીકાયો છે. ગુજરાત યુનિવર્સિટીના સત્તાધિશોએ કરેલા ફી વધારા સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, એક તરફ દેશ અને ગુજરાતની પ્રજા મોંઘવારીનો માર અને બેરોજગારીનો ભાર સહન કરી રહી છે ત્યારે હાલની પરિસ્થિતિની અંદર સૌથી કફોડી સ્થિતિ મધ્યમ વર્ગની છે. મધ્યમ વર્ગના માનવીની પોતાની કમાણીમાંથી તેમના બાળકોના શિક્ષણ પાછળ 50 ટકા થી વધારે આવક વપરાઈ જાય છે. હાલમાં શાળા સંચાલક મંડળે પોતાની કારોબારીની અંદર 5000 રૂપિયા જેટલો ફી વધારો માંગીને વાલીઓની કમર તોડવાનો વાત કરી છે. બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના સત્તાવાળાઓએ પણ જુદી જુદી માર્કશીટ બાદ મેળવવામાં આવતા સર્ટીફીકેટોમાં પણ ધરખમ ભાવ વધારો ઝીંક્યો છે. સરકાર, શિક્ષણ વિભાગ અને ભાજપના પદાધિકારીઓ આ બાબતે સદંતર મૌન છે અને વિરોધ નથી કરી રહ્યા તેનો મતલબ એમ થયો કે તેઓ આ ભાવ વધારા સામે મુક સંમતિ આપી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સીટીએ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન ફીમાં ધરખમ વધારો કર્યો છે. માર્કશીટ વેરિફિકેશનનાં રૂ.50 થી વધારી રૂ.404 કરાયા છે. જ્યારે ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન અને સીલકવરનાં રૂ.500થી વધારી રૂ.736 કરાયા છે, આ ઉપરાંત ડિગ્રી વેરિફિકેશનનાં રૂ.200થી વધારી રૂ.554 અને માઇગ્રેશન સર્ટીફીકેટનાં રૂ.110 થી વધારી રૂ.452 કરાયા છે, તેમજ પ્રોવિઝનલ સર્ટીફીકેટની ફીમાં પણ 236 રૂપિયાનો વધારો ઝીકાયો છે આ ભાવ વધારા બાદ વિદ્યાર્થીને માર્કશીટ બાદ બીજા જરૂરી ડોક્યુમેન્ટ માટે 3000 રૂપિયા વધુ ચૂકવવા પડશે. શિક્ષણ અને આરોગ્ય એ દેશના બંધારણે નાગરિકોને આપેલા મુળભુત અધિકારો છે. જ્યારે સરકારી યુનિવર્સિટીમાં જ આ પ્રકારનો ગેરવ્યાજબી ભાવ વધારો થાય તે વાલીઓ અને વિધાર્થીઓ માટે ભાજપ સરકારે મારેલી થપ્પડ બરાબર છે. જો આ ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો કોંગ્રેસની વિધાર્થી પાંખ NSUI અને યુવા પાંખ યુથ કોંગ્રેસ વાલી અને વિધાર્થીઓ સાથે મળી ઉગ્ર આંદોલન કરશે.