Site icon Revoi.in

કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકામાં ચીફ ઓફિસર મુકાતા નથી, ઠેર ઠેર કચરાના ઢગલાં

Social Share

રાધનપુર : શહેરની નગરપાલિકામાં ચીફ ઓફિસર અને એસઆઈની અગત્યની પોસ્ટ ખાલી હોવાને પગલે રાધનપુર શહેરનો વિકાસ રુંધાઈ રહ્યો છે,  શહેરના માર્ગો પર ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલાં, તેમજ ગટરના રેલાતા ગંદા પાણીથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોગ્રેસ સાશિત નગરપાલિકાના સત્તાધીશોએ પણ અનેક વખત ગાંધીનગર પ્રાદેશિક કચેરી તેમજ મંત્રીઓને પણ અનેક રજુઆતો કરી હોવા છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી. જેને લઇ નગરપાલિકાના સત્તાધીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકામાં છેલ્લા એક મહિનાથી કાયમી ચીફ ઓફિસર અને એસ આઈની પોસ્ટ ખાલી રહી છે. જેને પગલે શહેરની સ્થિતિ નર્કગાર જેવી બની છે. ઠેર ઠેર માર્ગો પર કચરાના ઢગ, માર્ગો પર રેલાતા ભૂગર્ભ ગટરના ગંદા પાણી, માર્ગોની બિસ્માર હાલતને લઇને શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પાલિકાના અણધડ વહીવટ સામે રોષ ઠાલવી રહ્યા છે.

રાધનપુરના  રૂધાંતા વિકાસ મામલે રાધનપુર નગરપાલિકા પ્રમુખને પૂછાતાં તેમને જણાવ્યું હતું કે, રાધનપુર પાલિકા સાથે કોઈ દુશ્મની હોય તેવો વ્યવહાર થઇ રહ્યો છે. પહેલા ચીફ ઓફિસર મુકવામાં આવ્યા તે લાંચિયા હતા. જેને લઇ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારથી આજ દિન સુધી કામ ચલાઉ ચીફ ઓફિસર મુકવામાં આવે છે. કાયમી ચીફ ઓફિસર મુકવામાં આવતા નથી. જેથી નગરપાલિકાનો વહીવટ કેવી રીતે કરવો એક મહિનાથી કામ ચલાઉ ચીફ ઓફિસર આવતા નથી તેમની સહી વગર કોઈ વિકાસના કામ કે સ્વછતાના કામો થઇ શકતા નથી. લોકોની અનેક ફરિયાદો આવે છે, તેનો નિકાલ કરવા માટે નગરપાલિકાના વાહનોમાં ડીઝલ પણ અમારા ખર્ચે પુરાવીને લોકોને ઓછી હાલાકી પડે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એક મહિના સુધી કામ ચલાઉ ચીફ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે પણ તેઓ પણ રાધનપુર પાલિકામાં આવતા નથી જેને લઇ આજે શહેર ની હાલત કફોડી બનવા પામી છે અને લોકો ભારે હાલાકીનો સામનો કરી જીવી રહ્યા છે ત્યારે હવે પાલિકામાં કાયમી ધોરણે ચીફ ઓફિસર મુકવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.