Site icon Revoi.in

ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભાજપની જેમ કોંગ્રેસ દ્વારા આધૂનિક કાર્યાલયો બનાવાશે

Social Share

અમદાવાદઃ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિયુક્તિ બાદ હવે સંગઠનમાં પણ નવી નિમણૂંકો માટે કવાયત ચાલી રહી છે. તેમજ કોંગ્રેસ દ્વારા ભાજપની માફક ગુજરાતના દરેકે દરેક જિલ્લામાં પોતાના આધુનિક કાર્યાલયો શરૂ કરાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના 18 નેતાઓ થોડા સમય પહેલાં દિલ્હી ગયા હતા, જ્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ સાથે આ મુદ્દે વાતચીત થઇ હતી. આ વાતચીત દરમિયાન કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય સહિત ગુજરાતમાં 98 પ્રોપર્ટી છે તેનું મુલ્યાંકન કરવામાં આવ્યુ હતું. ઉપરાંત આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેઠકોની ઔપચારિક ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન સહિત કોંગ્રેસની 98 જેટલી પ્રોપર્ટી છે.  પ્રોપર્ટી ચોખ્ખી કરવાની કામગીરી કોંગ્રેસે 2011થી હાથ ધરી હતી. આ કામગીરી દેશભરમાં કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં જે પ્રોપર્ટી કોંગ્રેસે અને કોંગ્રેસમાંથી અલગ થનારા પક્ષો પાસે પણ હતી. જેથી આ પ્રોપર્ટી માટે કાયદાકીય પ્રક્રિયા ચાલતી હતી. આ પ્રક્રિયામાં કોંગ્રેસની જ પ્રોપર્ટી હોવાથી તેમાં કોંગ્રેસની જીત થઇ હતી. કેટલીક પ્રોપર્ટીમાં દબાણ હતું. આ દબાણ હટાવવા માટેની કાયદાકીય પ્રક્રિયા ચાલતી હતી. જે પ્રોપર્ટીમાં હજુ દબાણ છે તેને દૂર કરાવવા માટે રાષ્ટ્રીય મોવડી મંડળે પ્રદેશ એકમને સૂચના આપી છે. કોંગ્રેસ પાસે ઘણા શહેર અને જિલ્લાઓમાં કોંગ્રેસ કાર્યાલય નથી. કેટલીક જગ્યાએ કોંગ્રેસ કાર્યાલય ભાડેથી ચાલે છે. આથી દરેક જગ્યાએ કાર્યાલય પોતાનું થાય તેવા પ્રયાસ કરાશે. આ માટે જુની પ્રોપર્ટી હોય તો તેને વેચીને સારી જગ્યાએ કાર્યાલય માટે તે રકમ વાપરવી. જેથી કરીને કાર્યાલય તરીકે પણ તે પ્રોપર્ટી વપરાય અને ભવિષ્યમાં ભાવ વધે તો તેને ફાયદો કોંગ્રેસને થાય.

અમદાવાદ સહિત તમામ જિલ્લાઓમાં કોંગ્રેસના કાર્યાલયોને આધૂનિક બનાવાશે. એટલું જ નહીં પણ જિલ્લાના પદાધિકારીઓ પણ નિયમિત કાર્યાલયો પર આવે તેની સુચના અપાશે. લોકો પણ પોતાના પ્રશ્નો માટે કોંગ્રેસના કાર્યાલયોનો સંપર્ક સાધી શકશે. કાર્યાલયોમાં પણ નિયમિત સ્ટાફની  નિમણૂંક કરવામાં આવશે.