Site icon Revoi.in

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ગાંધી પરિવારના નામે કોંગ્રેસ નહીં લડે

Social Share

નવી દિલ્હીઃ રાયપુરમાં ચાલી રહેલા અધિવેશનમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાજકારણથી સન્યાસ લેવાના સંકેત આપ્યાં છે. એવુ માનવામાં આવે છે કે, વધતી ઉંમર અને આરોગ્ય સંબધી સમસ્યાઓને લઈને સોનિયા ગાંધીએ આ નિર્ણય લીધો છે. જો સોનિયા ગાંધી સન્યાસ લેશે તો તેમની જગ્યાએ રાયબરેલી બેઠક ઉપર કોણ ચૂંટણી લડશે, તેને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ગાંધી પરિવારના નામે કોંગ્રેસ નહીં લડે.

મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના અધ્યક્ષ બનતા અને સોનિયા ગાંધીના સંન્યાસના સંકેતને પગલે ઓફિશિયલી ખડગે જ ચીફ રહેશે. જો કે, પડદા પાછળથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મોરચો સંભાળશે. જેથી જો ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહે તો ગાંધી પરિવાર ઉપર માછલા ના ધોવાય. અત્યાર સુધી અલગ-અલગ ચૂંટણીમાં રાહુલ અને પ્રિયંકા ગાંધીએ જવાબદારી ઉઠાવી છે. જો કે, ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસના ધોવાણ માટે તેમને જવાબદાર માનવામાં આવી રહ્યાં છે.

સોનિયા ગાંધીએ રાજકારણમાં સંન્યાસના સંકેત આપતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપર જવાબદારી વધવાની શકયતા છે. જેથી પાર્ટી એવુ નથી ઈચ્છતી કે તેમના બે મુખ્ય નેતાઓની છબી ખરાબ થાય. જો સોનિયા ગાંધી સંન્યાસ લેશે તો રાયબરેલી બેઠક ઉપર કોણ ચૂંટણી લડશે તેને લઈને અટકળો વહેતી થઈ છે. જો કે, ગાંધી પરિવારની વારસાગત મનાતી આ બેઠક ઉપર પ્રિયંકા ગાંધી ઉમેદવારી નોંધાવે તેવી શકયતા છે. જો પ્રિયંકા ગાંધી આ બેઠક ઉપરથી ચૂંટણી નહીં લડે તો કોંગ્રેસ પાસે અન્ય ઓપ્શન છે. આ બેઠક પરથી શીલા કૌલના સંબંધીને ચૂંટણી લડાવે તેવી શકયતા છે. શિલા કૌલ જવાહરલાલ નેહરુના સંબંધી છે અ તેઓ રાયબરેલીની બેઠક ઉપરથી એમપી હતા.