Site icon Revoi.in

ગુજરાતમાં ઈ-વ્હીકલનો વપરાશ યુપી, દિલ્હી, આસામ કરતા પણ ઓછો, સરકારની અણઘડ નીતિ જવાબદાર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટે અને હવામાં પ્રદુષણની માત્રામાં ઘટાડો થાય તે હેતુસર ઇ- વ્હિકલને પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકાર દ્વારા નીતિ ઘડવામાં આવી હતી.  એટલું જ નહીં, ઇ-વ્હિકલનો વધુને વધુ ઉપયોગ થાય તે માટે કેન્દ્ર સરકાર સક્રિય પ્રયાસો કરી રહી છે. પરંતુ ગુજરાતમાં ઈ-વ્હીકલને પ્રોત્સાહન આપવાની યોગ્ય નીતિ ન હોવાને કારણે તેને યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. દેશમાં ઈ-વ્હીકલ વપરાશમાં ગુજરાત પાછળ ધકેલાયું છે. ઇલેકટ્રીક વ્હીકલના વપરાશમાં ટયુકડા રાજ્ય આસામે પણ વિકસીત ગણાતા ગુજરાત રાજ્યને પાછળ ધકેલ્યુ છે. ગુજરાતમાં ઈ-વ્હીકલ પ્રોજેક્ટને સફળ બનાવવામાં આધિકારીઓને પણ કોઈ રસ હોય એવું લાગતું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં  13,270 ઈ-વ્હીકલ સામે માત્ર 27 ચાર્જિંગ સ્ટેશન છે. શિયાળુ સંસદ સત્રમાં કેન્દ્ર સરકારે દેશમાં ઇ-વ્હીકલના વપરાશના લઇને રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં એવુ જણાવાયુ છે કે, દેશમાં યુપી અને દિલ્હીમાં ઇ-વ્હીકલ સૌથી વધુ સંખ્યામાં છે. પેટ્રોલ-ડિઝલની ખપત ઓછી થાય તે માટે કેન્દ્ર સરકારે ઇ-વ્હીકલના વેચાણને પ્રોત્સાહન આપ્યુ છે. કેન્દ્ર સરકારે ઇ વાહનોના ઉત્પાદન માટેની સ્કિમ માટે રૂા.25,938 કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત ગુજરાત સહિત દેશભરમાં ઇ – વાહનો માટે ચાર્જીગ સ્ટેશન બનાવવાનુ શરૂ કરવામાં આવ્યુ છે. બેટરીની કિમત ઓછી થાય તે માટે પણ કેન્દ્ર સરકારે ઉત્પાદન સબંધિત સ્કિમને મંજૂરી આપી દીધી છે. ઇલેક્ટ્રીક વાહનો પરનો જીએસટી દર 12 ટકાથી ઘટાડી 5 ટકા કરી દેવામાં આવ્યો છે. મહત્વની વાત તો એ છે કે, ઇલેકટ્રીક વાહનો માટે ટોલ ટેક્સ પણ માફ કરવા કેન્દ્રએ વિચારણા કરી છે. પરંતુ ગુજરાતમાં માત્ર 27 ચાર્જિંગ સ્ટેશનો ઊભા થઈ શક્યાં છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, યુપીમાં 2.58 લાખ અને દિલ્હીમાં 1.26 લાખ ઇ વાહનો છે. ટચુકડા રાજ્ય આસામમાં પણ કુલ 44.45 લાખ વાહનો છે પણ તેમાં 43,707 ઇ વાહનો છે. જયારે ગુજરાતમાં 1,97,80,771 કુલ વાહનો છે જેમાં માત્રને માત્ર 13,270 જ ઇ વાહનો છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત ઇ વાહનના વપરાશમાં પાછળ રહ્યુ છે. ઇ વાહનોના વપરાશમાં ગુજરાત કરતાં હરિયાણા, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તામિલનાડુ સહિતના રાજ્યોએ સારો દેખાવ કર્યો છે. હવામાં પ્રદુષણ ઓછુ થાય અને પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઓછો થાય તે અંગે ગુજરાતમાં હજુય ખુદ સરકારની જ ઢીલી નીતિ રહી છે તે વાત જાણે પ્રસ્થાપિત થઇ ચુકી  છે.