Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.ટ્રાન્સપોર્ટની 200 CNG બસો મળતિયા કોન્ટ્રક્ટરોને આપવાની દરખાસ્તથી વિવાદ

Social Share

અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની એએમટીએસ કરોડો રૂપિયાની ખોટ કરી રહી છે. જેમાં હવે તો ભાજપના મળતિયાઓને બસ કોન્ટ્રાક્ટ પર ચલાવવા આપવાની દરખાસ્તથી વિવાદ જાગ્યો છે. એએમટીએસ દ્વારા ખાનગી બસ ઓપરેટરો પાસેથી 200 જેટલી સીએનજી મીડી નોન એસી બસ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે. બસ ખરીદવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ભાજપના જ મળતિયા કોન્ટ્રાક્ટરોને બસના કોન્ટ્રાક્ટ આપવાની વિવાદાસ્પદ દરખાસ્ત મૂકવામાં આવી છે. ત્રણ અલગ અલગ અને AMTSમાં વર્ષોથી ખાનગી કોન્ટ્રાકટનો અડ્ડો જમાવીને બેઠેલા ત્રણેય કોન્ટ્રાક્ટરો દ્વારા પ્રતિ CNG બસના પ્રતિ કિલોમીટરના રૂ. 46ના ભાવની દરખાસ્ત મૂકાઈ  હોવાનું જાણવા મળ્યુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) વર્ષે કરોડો રૂપિયાની ખોટ કરી રહી છે.  ખોટમાં ઘટાડો કરીને શહેરીજનોને સારી બસ સેવા પુરી પાડવાના કોઈ પ્રયાસો કરતા નથી. એએમટીએસની મળનારી કમિટીમાં 200 જેટલી મીડી સીએનજી બસ ખરીદવાના કોન્ટ્રાકટની દરખાસ્ત મૂકાઈ છે. જેના માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં 7 પાર્ટીઓએ બીડ ભરી હતી. જેમાં પ્રથમ લોએસ્ટ ભાવ આવતા એક કંપનીને  70 બસો જેમાં પ્રતિ કિમિ રૂ. 46ના ભાવ આપવામાં આવ્યા છે. જ્યારે બાકીને બે ટ્રાન્સપોર્ટ કંપનીના એક  સરખા ભાવ હોવાથી તેઓને 65 – 65 બસો આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ લક્ઝરી બસનો ભાવ પ્રતિ કિલોમીટર રૂ. 35થી 40નો છે. ત્યારે લકઝરી બસ(ડીઝલ)ના ભાવ કરતા પણ CNGના વધુ ભાવ આપી કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવતી આ દરખાસ્ત મૂકવામાં આવી છે. સામાન્ય રીતે CNGનો ભાવ ઓછો હોય તો સૌથી ઓછો ભાવ હોવો જોઈએ. પરંતુ વધુ ભાવ આપી કોન્ટ્રાક્ટરોને ફાયદા થાય તેવી દરખાસ્ત મૂકાઈ છે. AMTS એકતરફ ખોટમાં ચાલે છે. ત્યારે પ્રજાના પૈસે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે.