Site icon Revoi.in

કોરોનાના કેસ વધતા લોકડાઉનના ડરને લીધે પરપ્રાંતના શ્રમિકોએ વતનની વાટ પકડી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મહાનગરોમાં સરકારે રાત્રીના સમયમાં કરફ્યુના સમયમાં પણ વધોરો કરી દીધો છે. કોરોનાના કેસ વધતા રહ્યા તો સરકારને વધુ આકરા નિયંત્રણ મુકવાની ફરજ પડી શકે છે. ત્યારે મહાનગરોમાં પરપ્રાંતોના વસવાટ કરતા શ્રમિકોમાં પણ ડર વ્યાપી ગયો છે. શ્રમિકોમાં લોકોડાઉન લાદવામાં આવશે તેવી દહેશત છે. આથી શ્રમિકોએ તેમના માદરે વતન જવાની વાટ પકડી છે. અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશન પર શ્રમિકો પોતાના વતન પરત ફરવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. કોરોનાની પહેલી અને બીજી લહેર પછી જેમ શ્રમિકો પોતાના વતને પરત ફરવા મજબૂર બન્યા હતા. તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરત રેલવે સ્ટેશન પર ઘણા શ્રમિકો એવા છે કે, લોકડાઉનના ભયથી તેઓ પોતાના વતન જવા માટે મજબૂર થયા છે. તો કેટલાક શ્રમિકોને મિલમાલિકો 1 જાન્યુઆરીથી નોકરીમાંથી કાઢી મૂક્યા હોવાનું પણ શ્રમિકો કહી રહ્યો છે.  કોરોનાના કેસો વધતા શહેરમાં અનેક મિલમાલિકો શ્રમિકોને નોકરી પર આવવાની ના પાડી રહ્યા છે. તેમજ  લોકડાઉનના ભયથી શ્રમિકો પલાયન કરવા પર મજબૂર થઈ ગયા છે.

સુરત, અંકલેશ્વર, ભરૂચ, વાપી, વડોદરા અને અમદાવાદમાં પરપ્રાંતના શ્રમિકો સૌથી વધુ છે. શ્રમિકોમાં લોકડાઉન લાદવાની દહેશત તેમજ કેટલાક કારખાનેદારોએ કોરોનાને લીધે ઉત્પાદન ઘટાડીને શ્રમિકોને છૂટા કરી દીધા છે. એટલે શ્રમિકોએ વતનની વાટ પકડી છે.  સતત વધી રહેલા કોરોના કેસ અને ત્રીજી લહેરમાં લોકડાઉનના કારણે મુંબઈ બાદ હવે સુરતમાં પણ પલાયન શરૂ થઈ ગયું છે. સુરત રેલવે સ્ટેશન ખાતે ઉત્તરપ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં ખચોખચ શ્રમિકો ભરાઈ રહ્યા છે.  મૂળ ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત અન્ય રાજ્યોથી શ્રમિકો રોજગારી માટે સુરત આવે છે. ત્યારે શહેરમાં કોરોનાના કેસ વધતા મિલમાલિકો શ્રમિકોને નોકરીમાંથી કાઢી રહ્યા છે. તેવામાં શ્રમિકોની સ્થિતિ કફોડી બની છે.