Site icon Revoi.in

કોરોનાનું સંકટ વધતા નિયંત્રણોની શરૂઆતઃ અરવલ્લીમાં 144 લાગુ કરાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને લગભગ 3 દિવસે કોરોનાના કેસ ડબલ થઈ રહ્યાં હોવાથી આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે. હાલ રાતના 11થી સવારના 5 કલાક સુધી રાતના કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. જો કે, કોરોનાના કેસમાં વધારો થતા વિવિધ જિલ્લામાં આગામી દિવસોમાં નિયંત્રણ લાદવામાં આવે તેવી શકયતા છે. દરમિયાન અરવલ્લી જિલ્લામાં કોરોનાની દહેશતને લઈને કલમ 144 લાગુ કરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અરવલ્લી જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને સરઘસ કાઢવા અથવા તો ટોળુ થવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર ડૉ. નરેન્દ્રકુમાર મીણાએ આરોગ્ય વિભાગ સાથે બેઠક યોજી તૈયારીઓ અંગે ચિતાર મેળવ્યો હતો. જિલ્લામાં કોરોનાને લઇને મોડાસાની સાર્વજનિક હૉસ્પિટલ ખાતે 145 પથારી, બાયડની વાત્રક હોસ્પિટલ ખાતે 120, ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં 70 જ્યારે શામળાજી ખાતે 80 પથારીઓ તૈયાર કરાઈ છે. આ સાથે જ જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દસ બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

(PHOTO-FILE)