દિલ્હીઃ કોરોનાની બીજી લહેર ધીમી પડતા સરકારે રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કોવિડ-19 રેપિડ એન્ટીજેન ટેસ્ટિંગ કિટની નિકાસ નીતિમાં ફેરફાર કર્યો છે. તેમજ કોવિડ-19 રેપિડ એન્ટીજેન ટેસ્ટીંગ કીટની નિકાલ ઉપર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે સરકાર દ્વારા નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. ભારત સરકારની નિકાસ નીતિ અનુસાર રેપિડ એન્ટીજેન ટેસ્ટિંગ કીટ મફત હતી. પરંતુ સરકારના આ નિર્ણયની પાછળ ભારતમાં ત્રીજી લહેર આવે તો કીટની અછત ઉભી ના થાય તેવુ મનાઈ રહ્યું છે.
આઈસીએમઆરએ 19મી મેના રોજ એડવાઈઝરી જાહેર કરી હતી. જે હેઠળ કોવિડનો ઘરમાં ટેસ્ટ કરવા માટે રેપિડ એન્ટીજેન ટેસ્ટ કીટનો ઉપયોગ કરવા કહ્યું હતું. ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંક્રમણ વધતા સરકારે ટેસ્ટિંગ નીતિમાં ફેરફાર કર્યા હતા. તેમજ આરટીપીસીઆરની જગ્યાએ આરએટી મારફતે ટેસ્ટિંગમાં ભારે મદદ મળી હતી. ગ્રામીણ વિસ્તારમાં મોટી સંખ્યામાં આરટીપીસીઆર લેબ ઉપલબ્ધ નથી. આવામાં તેઓ કોરોનાનો ટેસ્ટ કરી શકતા ન હતા. જેથી સંક્રમણની ચેનને રોકવામાં મુશ્કેલી ઉભી થઈ હતી. આ પરિસ્થિતિમાં રેપિડ એન્ટીજેન ટેસ્ટીંગ કીટથી ભારે મદદ મળી હતી. આરએટીની મદદથી ટેસ્ટીંગ માટે ડોર ટુ ડોર અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેથી કોરોનાની ચેન તોડવામાં અને સારવાર કરવામાં મદદ મળી હતી.
દરમિયાન સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન પણ વેગવંતુ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 50 કરોડથી વધારે લોકોએ કોરોનાની રસી લીધી છે. આગામી દિવસોમાં 12 વર્ષથી વધુની ઉંમરના બાળકો માટે પણ કોવિડ રસી ઉપલબ્ધ થવાની શકયતા છે.