Site icon Revoi.in

કોરોનાને લીધે માર્કેટ યાર્ડ્સમાં કામકાજ ઠપ થતા રોજનું 200 કરોડનું ટર્ન ઓવર સ્થગિત થયું

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં મોટાભાગના માર્કેટ યાર્ડોમાં છેલ્લાં પંદર દિવસથી હરાજીનું કામકાજ બંધ છે. તેના કારણે રૂપિયા 200 કરોડથી વધુ થતું પ્રતિદિનનું ટર્નઓવર ઠપ થઈ ગયું છે. ઊંઝા સહિત મોટા માર્કેટ યાર્ડોમાં તો બહારના રાજ્યોમાંથી પણ વેપારીઓ માર્કેટ બંધ હોવાથી આવતા નથી.

સૌરાષ્ટ્રના ગોંડલ અને રાજકોટ માર્કેટ યાર્ડે કોરોના સંક્રમણને કારણે હરાજીથી અલિપ્ત રહેવાનો નિર્ણ લીધો હતો. જોકે ધીરે ધીરે ફેલાતા જતા કોરોનાના કેસને લીધે મોટાંભાગના યાર્ડો બંધ થઇ ગયા છે. લગભગ 15 દિવસ વિવિધ યાર્ડોને થવા આવ્યા છે. હજુ  મે મહિના સુધી કોઇ હરાજી શરું કરવાના મૂડમાં નથી. અમુક યાર્ડોએ 4થી મેએ શરું કરવાનું એલાન કર્યું છે પરંતુ સંક્રમણ વધારે હશે તો એ પણ શરું થઇ શકે તેમ નથી. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો આખા ગુજરાત માટે આવકનો મુખ્ય સ્ત્રોત ગણાય તેવા છે. કારણકે રવી પાકોની મુખ્ય ચીજો જીરુ, ધાણા, ચણા, મરચાં અને ઘઉં વગેરે માટે સૌરાષ્ટ્રના ગામડાંઓ મશહૂર છે. યાર્ડમાં માલ આવતો નથી પરિણામે ખેડૂતોએ ઉગાડેલો માલ જેમનો તેમ પડેલો છે. સીઝન બરાબર જામી હતી ત્યાં કોરોનાનું ગ્રહણ લાગતા મુશ્કેલી સર્જાઇ છે.’

યાર્ડને સેસની આવકનું નુક્સાન રોજબરોજ થઇ રહ્યું છે. અધૂરામાં પૂરું ખેડૂતોને ખરીફ પાકોના વાવેતર પૂર્વે બિયારણ માટેના નાણા રવી પાકો વેંચીને મળતા હોય છે તે પ્રાપ્ત થતા નથી એટલે મુશ્કેલી પડી રહી છે. ગામડાંઓમાં પણ કોરોનાના કેસ વધતા જાય છે એટલે ખેડૂતોની આર્થિક સ્થિતિ વિકટ બની રહી છે. કેટલાક યાર્ડોએ યાર્ડ બહાર વેચાણની વ્યવસ્થા કરી આપી છે પણ તેનાથી કશો ફાયદો નથી.

વેપારીઓ અને ખેડૂતોમાં પણ સંક્રમણ ફેલાઇ ગયું હોવાથી કોઇને વેપાર કરવાનો મૂડ નથી. જોકે બજારમાં હજુ પુરવઠાની છત છે એટલે સ્થિતિ યથાવત છે. પરંતુ યાર્ડો આમ ને આમ એકાદ મહિનો બંધ રાખવા પડે તો જરુરી ચીજોની અછત કે કાળાબજારી થવાનો ભય છે. માર્કેટ યાર્ડો અત્યારે ખોલી શકાય તેવી સ્થિતિ નથી એમ એક ટોચના યાર્ડના વેપારીએ કહ્યું હતુ. યાર્ડમાં કોઇ કર્મચારી, ઇન્સ્પેક્ટર, કમિશ એજન્ટ કે ખરીદનારને સંક્રમણ થયેલું છે. આમ અગાઉની જેમ હરાજી કરવાનું શક્ય નથી. છતાં હવે કેવી રીતે યાર્ડ શરું કરવા તેનો રસ્તો વિચારાઇ રહયો છે. જોકે સંક્રમણ ત્વરિત ફેલાતું હોવાથી કોઇ અત્યારે હિંમત કરે તેમ નથી.