Site icon Revoi.in

ભારતમાં ફરી કોરોનાએ માથુ ઉચક્યું, કેરળમાં 292 સહિત દેશમાં 614 પોઝિટિવ કેસ નોંધાયાં

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે, કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર કેરલમાં 24 કલાકમાં 292 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે ત્રણ દર્દીઓના મોત થયાં છે. જ્યારે સમગ્ર દેશમાં કોરોનાના નવા 614 કેસ નોંધાયાં છે. ગત 21 મે બાદ સૌથી વધારે કેસ સામે આવ્યા છે. દેશમાં કોવિડના દર્દીઓની સંખ્યા વધીને 2311 જેટલી થઈ હોવાનું જાણવા મળે છે. જ્યારે સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કોવિડના કુલ 4.50 કરોડ જેટલા પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યાં છે.

સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4.45 કરોડ થઈ છે. આમ રાષ્ટ્રીય રિકવરી દર 98.81 ટકા થયો છે. મૃત્યુદર હાલ 1.19 ટકા છે. જ્યારે અત્યાર સુધીમાં કોવિડની રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. કેરલમાં 24 કલાકમાં 224 દર્દીઓ સાજા થયાં છે. કેરલના આરોગ્ય મંત્રી વીણા જોર્જએ જણાવ્યું હતું કે, કેરલમાં કોરોનાને લઈને ચિંતા કરવાની જરુર નથી. તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યાં છે.  કોવિડના દર્દીઓને હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ, ઓક્સિજન બેડ, આઈસીયુ બેડ અને વેન્ટિલેટર સહિતની સુવિધાઓ પુરી પાડવા માટે જરુરી નિર્દેશ કરવામાં આવ્યાં છે.

દરમિયાન કર્ણાટકમાં કોવિડના કારણે એક દર્દીનું મોત થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પણ કોવિડના બે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે કેરલમાં કોરોનાના નવા વેરિએન્ટ જેએન.1 નો કેસ મળી આવ્યો હતો. જેથી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં રાજ્યોને જરુરી નિર્દેશ આપ્યા હતા.