Site icon Revoi.in

અમદાવાદમાં શાકભાજી અને કરિયાણા વિક્રેતા સહિતના સુપર સ્પ્રેડરના ફરીથી થશે કોરોના ટેસ્ટ

Social Share

અમદાવાદ : શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ચિંતાજનક રીતે વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને અટકાવવા માટે મનપા દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં શાકભાજી અને કરિયાણાના વિક્રેતા, ફૂડ ડિલિવરી અને હોમ ડિલિવરી બોય સહિતના સુપર સ્પ્રેડરના ફરીથી એન્ટીજન ટેસ્ટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં તેમણે ટેસ્ટીંગનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના ઓએસડી રાજીવ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને કોર્પોરેશનના વિવિધ ઝોનના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લંબાણ પૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. અંતે  શહેરમાં સુપર સ્પ્રેડરના ફરીથી એન્ટીજન ટેસ્ટ શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. શાકભાજી અને કરિયાણા વિક્રેતાઓ ફુડ આઈટમની તથા અન્ય હોમ ડિલીવરી કરતાં ડીલીવરી બોય, સુપર માર્કેટમાં કામ કરતા કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરમાં આ તમામ લોકોના 15થી વધારે સ્થળો ઉપર કોરોના ટેસ્ટ કરવામાં આવશે. એટલું જ નહીં ટેસ્ટીંગનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. જો કોઈ સોસાયટીમાં કેસ વધશે તો તેને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં રસીકરણ અભિયાનની ચર્ચા કરવામાં આવી હતી.

કોરોના મહામારીને પગલે શહેરના વિવિધ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરમાં સઘન સર્વે અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ પ્રજાને માસ્ક અને સામાજીક અંતર સહિતની કોરોના ગાઈડલાઈનના નિયમોનું પાલન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.