- નવા 30 વિસ્તારનો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ઉમેરો
- મનપા તંત્રએ 23 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાંથી કર્યાં દૂર
- શહેરમાં હાલ 273 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન
અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. જેથી માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો છે. જો કે રાહતની વાત એ છે કે મોટી સંખ્યામાં લોકો સાજા થઈ રહ્યાં છે. હાલ અમદાવાદ શહેરમાં 273 જેટલા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન છે. જેમાં કોરનાની ગાઈડલાઈનનો ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમજ જે વિસ્તારમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ આવે છે તેને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સામેલ કરવામાં આવે છે. અમદાવાદમાં 266 માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હતા જે પૈકી 23 વિસ્તારને દૂર કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં 30નો ઉમેરો થયો હતો. આ સાથે જ અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનનો આંકડો 273 પર પહોંચ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મનપા તંત્ર દ્વારા સઘન સર્વે અને ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારમાં કોરોના ટેસ્ટીંગ કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે. જ્યાં સવારથી જ લોકો ટેસ્ટ કરાવવા ઉમટી પડે છે.