Site icon Revoi.in

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેનારા માટે કોરોના ટેસ્ટ કરાશે, પ્રવેશ દ્વારા ડોમ ઊભા કરાયા

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર ખાતે આગામી તા. 10મી જાન્યુઆરીથી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે યોજાનાર વાયબ્રન્ટ સમિટમાં દેશ વિદેશથી ભાગ લેવા આવનારા તમામ માટે આરટીપીસીઆર ટેસ્ટનો રીપોર્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે ત્યારે જો કોઇ આમંત્રિત ટેસ્ટ રીપોર્ટ વિના આવ્યા હોય તો તેમના ટેસ્ટ કરવા માટે મહાત્મા મંદિરના એન્ટ્રી પોઇન્ટ પર જ ટેસ્ટીંગ ડોમ ઊભા કરવામાં આવ્યા છે. ટેસ્ટીંગ માટે તમામ પ્રવેશ દ્વારો પાસે ડોમ ઉભા કરાયા છે અને આરોગ્યની ટીમો પણ તૈનાત કરવામાં આવશે.  ટેસ્ટીંગ દરમિયાન રિપોર્ટ પોઝીટીવ આવશે તેમને આઇસોલેટ કરાશે. સંકુલમાં જ બે આઇસોલેશન રૂમ પણ તૈયાર રાખવામાં આવ્યા છે. વીવીઆઇપી મહેમાનો ટેસ્ટીંગ દરમિયાન પોઝીટીવ આવે તો તેમના માટે અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમાં પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વાઇબ્રન્ટ ગુજરાતની 10 મી એડીશન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 એ હવે તમામ તૈયારીઓ પુર્ણ કરવાને આરે આવવાની સાથે નવી ઉંચાઇઓ સર કરવા તૈયાર છે. તારીખ 10 થી 12મી જાન્યુઆરીના રોજ યોજાનારી આ મેગા ઇવેન્ટની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. સમિટ માટે પાર્ટનર દેશો પાસેથી, બિઝનેસ લિડર, વિવિધ રાજયોના વડા અને રાજ્ય સરકારો, અને ઉદ્યોગો પાસેથી અભુતપુર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી  વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તારીખ 10મી જાન્યુઆરીએ વિવિધ ક્ષેત્રના નેતાઓ, બિઝનેસ લીડર અને ભારત તથા વિદેશના રોકાણકારોની હાજરીમાં ખુલ્લી મુકશે.  આ વિશાળ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022 માં સૌ પ્રથમવાર પાંચ દેશોના વડાપ્રધાન ખાસ ઉપસ્થિત રહેશે અને તેમાં તેમાં રશિયાના વડા પ્રધાન મિખાઇલ મિશુસ્ટિન મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેકિન્ટો ન્યુસી મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબા અને સ્લોવેનિયાના વડાપ્રધાન  જાનેઝ જાન્સાનો સમાવેશ થાય છે. ( file photo)