Site icon Revoi.in

કોરોનાનું સંક્રમણ ઘટતા જેલમાં બંધ કેદીઓને મળી રાહત, પરિવારજનોને મળી શકશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે ઘટતા જનજીવન પહેલાની જેમ ફરીથી ધબકવા લાગ્યું છે. બીજી તરફ કોરોના મહામારીને પગલે રાજ્યની વિવિધ જેલોમાં બંધ કેદીઓને પરિવારજનોને મળવા ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે. જેથી હવે કેદીઓ તા. 1લી ફેબ્રુઆરીથી પોતાના પરિવારજનોની મુલાકાત લઈ શકશે.

ગુજરાત રાજ્ય જેલોના વડા ડો. કે.એલ. રાવે જારી કરેલા પત્રમાં અનુસાર, એપ્રિલ-2020થી કોરોના વાયરસના સંક્રમણની મહામારીની પરિસ્થિતિમાં જેલોમાં સંક્રમણ નિયંત્રણના ભાગરૂપે કેદીઓની રૂબરૂ મુલાકાત પર પ્રતિબંધ અમલી કરાયો હતો. હાલમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ધીમે-ધીમે ઓછું થતા છે હવે રાજ્યની જેલોમાં રહેલા કેદીઓને તેમના નજીકના પરીવારજનો સાથે પ્રત્યક્ષ મુલાકાત એક ફેબ્રુઆરીથી ચાલુ કરવાની મંજુરી આપવામાં આવી છે અને બે વ્યક્તિ મળી શકશે અને 15 થી 20 મિનિટ વાત કરી શકશે.

રાજ્યની વિવિધ જેલમાં બંધ કેદીઓને પરિવારજનોને મળવાની મંજૂરી મળતા કેદીઓ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, કેદીઓની મુલાકાત સમયે કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આમ હવે સાબરમતી જેલમાં બંધ કુલ 3 હજાર કેદીઓને તેમના સ્વજનો સાથે મુલાકાતનો લાભ તબક્કાવાર મળશે.