Site icon Revoi.in

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ છ કોર્પોરેશનમાં શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂંટણી તા. 21મી ફેબ્રુઆરીએ યોજાઈ હતી. આજે સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મત ગણતરીમાં શરૂઆતથી ભાજપ આગળ હતું. જ્યારે કોંગ્રેસ મતદારોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટીના 11 ઉમેદવારો ટ્રેન્ડમાં આગળ હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેશનની ચૂંટણીમાં મતગણતરીમાં ભાજપ આગળ હોવાથી કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. મહાનગર પાલિકાની ચૂંટણીને લઈ 21 તારીખે મતદાન પૂર્ણ થયા બાદ અમદાવાદમાં સૌથી ઓછું અને જામનગરમાં સૌથી વધુ મતદાન થયું હતું . દરમિયાન ભાજપ પક્ષ દ્વારા સંપૂર્ણ બહુમતી સાથે જીતવાનો દાવો કરવામાં આવ્યો હતો. હાલમાં જ્યારે મતગણતરી શરૂ થઈ ગઈ છે ત્યારે 6 મહાનગર પાલિકાના શરૂઆતી ટ્રેન્ડમાં સીધે સીધો ભાજપને ફાયદો થઈ રહ્યો હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

અમદાવાદના નવા વાડજ વોર્ડ 6 માં ભાજપની પેનલ આગળ, સૈજપુર બોઘા વોર્ડ 13 ભાજપની પેનલ આગળ, પાલડીમાં ભાજપની પેનલ આગળ રહી છે. જામનગરમાં વોર્ડ નં.5માં ભાજપની પેનલનો વિજય નોંધાયો છે જ્યારે અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં, રાજકોટના વોર્ડ નં. 10માં બીજેપીની પેનલનો ભારે બહુમતીથી વિજય થયો છે. ભાવનગર વોર્ડ 7માં ભાજપની પેનલનો વિજય થયો છે. આવી જ રીતે જામનગર વોર્ડ 5માં, રાજકોટમાં વોર્ડ-7માં અને ભાવનગરમાં વોર્ડ 11માં ભાજપની પેનલનો વિજય હોવાનું જાણવા મળે છે. અમદાવાદમાં નવરંગપુરા અને ખોખરા વોર્ડમાં પણ ભાજપના ઉમેદવારો આગળ છે.