Site icon Revoi.in

કોર્પોરેશન ચૂંટણીઃ ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં, આવતીકાલે પ્રચાર પડઘમ થઈ જશે શાંત

Social Share

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદ સહિત છ મહાનગર પાલિકામાં તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. હાલ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા અંતિમઘડીનો ઝંઝાવતી ચૂંટણીપ્રચાર કરવામાં આવી રહ્યો છે. નિયમ અનુસાર આવતીકાલે શુક્રવારે સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર કોર્પોરેશનની ચૂંટણી માટે તા. 21મી માર્ચના રોજ મતદાન યોજાશે. તમામ મનપાની 576 બેઠકો માટે હવે ઉમેદવારો માટે આવતીકાલ સુધીનો પ્રચાર કરવાનો સમય છે. જેથી રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી રેલીઓ અને સભાઓ કરવામાં આવી રહી છે. આવતીકાલે સાંજના 6 કલાકે ચુંટણીપ્રચાર શાંત થઈ જશે. ચૂંટણી પંચના નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાના 48 કલાક પૂર્વે પ્રચાર પડઘમ બંધ કરી દેવાના રહે છે. શનિવારે તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો મતદારોને  આકર્ષવા માટે બંધ બારણે બેઠકોનો ધમધમાટ શરૂ કરશે. તા. 21મી ફેબ્રુઆરીના રોજ સાંજે ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થઈ જશે. તેમજ તા. 23મી ફેબ્રુઆરીના રોજ ઉમેદવારોના ભાવીનો ફેંસલો થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 23મી જાન્યુઆરીના રોજ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કોર્પોરેશનની ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું હતું અને ગત ૮મી સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહી હતી.