Site icon Revoi.in

કચ્છના અબડાસા પંથકમાં એક લાખ એકર જમીનમાં કપાસનું વાવેતર

Social Share

ભૂજ :  અબડાસાના પિયત ક્ષેત્ર (બોર આધારિત)ના ગામોની ખેતીલાયક જમીન પર ખેડૂતોએ ખરીફ પાક કપાસ પર પસંદગી ઉતારી છે. બોર આધારિત ખેતીવાળાં 32થી 35 ગામોમાં કપાસનું વાવેતર શરૂ કરાયું છે. અબડાસા કપાસની ખેતી માટે જાણીતું છે. આ વાવેતર માટે જમીન, પાણી અને વાતાવરણ અનુકૂળ હોય અહીં લાંબા તારવાળા `રૂ’નું ઉત્પાદન થાય છે. ચાલુ વર્ષે પણ એક લાખ એકર જમીનમાં ખેડૂતો કપાસનું વાવેતર કરશે જે અન્વયે 25થી 30 ટકા જમીનમાં કપાસનું વાવેતર તો સંપન્ન થઇ ગયું છે. આ માટે વાવેતરનો ગાળો 15મેથી 15 જૂન સુધી હોય છે.

અબડાસા તાલુકાના ડુમરા, સાંધાણ, છછી, ધુંવઇ, સુથરી, ખુઅડા, આમરવાંઢ, વરાડિયા, કોઠારા, કનકપર, અરજણપર, ગઢવાડા, નુંધાતડ, રવા, બીટીયારી, ભાચુંડા, ખીરસરા (કો), ખીરસરા (વિ.), અરજણપર, ભાનાડા, સાંધવ, વાડાપદ્ધર, વાંકુ, રામપર (ગઢ), સિંધોડી, વિંગાબેર, લાલા, ઓઢેજાવાંઢ, નલિયા, ડોણ વિસ્તાર વગેરે ગામોમાં વાવેતર પૂરજોશમાં શરૂ કરાયું છે. માન્ય બિયારણની મર્યાદિત હાજરી વચ્ચે ખેડૂતોએ 75 ટકા સુધી અમાન્ય બિયારણનો ઉપયોગ કર્યો છે. અમાન્ય બિયારણની રોકડે રૂા. 400 અને ઉધારમાં એ જ બિયારણ રૂા. 1200માં 450 ગ્રામની 1 થેલીની કિંમત છે. પ્રતિ એકરે દોઢ થેલી બિયારણનો ઉપયોગ કરાય છે.

માન્ય બિયારણની જાતોમાં સકુન-21, સકુન-15, રાશી, ટોટલ, અંકુરનો ઉપાડ 25 ટકા જેટલો રહ્યો છે. કપાસનું વાવેતર મુખ્યત્વે શ્રમિકોથી થાય છે. પ્રતિ દિવસ રૂા. 300ના દરથી 4000થી 5000 જેટલા શ્રમિકો કપાસની વાવણીમાં પરોવાયા છે, જે તમામ સ્થાનિકના છે. દરરોજ 6થી 6.30 કલાક આ લોકો કામ કરે છે. ટ્રેક્ટર કે અન્ય વાહનનું ભાડું પણ શ્રમિકો લઇ લે છે. રાત્રિના સમયે અન્ય શ્રમિકો વાવેતરને પાણી આપે છે. વાવેતર વિસ્તાર વધુ હોય જુલાઇના પહેલા અઠવાડિયા સુધી પણ કપાસનું વાવેતર ચાલુ રહેશે.

કપાસનો ફાલ 180 દિવસનો પાક છે. જેની પ્રથમ વીણી 90થી 100 દિવસે જ્યારે બીજી વીણી 130 દિવસે આવે છે. માન્ય બિયારણનો ભાવ 450 ગ્રામની 1 થેલીના રૂા. 700 છે. એમ.આર.પી. રૂા. 767 હોય છે પણ વેપારીઓ આવી થેલી ગ્રાહકને (ખેડૂતને) રૂા. 700માં આપે છે. અબડાસામાં છેલ્લા દોઢ-બે દાયકાથી પિયત ખેતીનો સારો વિકાસ થતાં જેને પગલે ખેતીવાડી સંલગ્ન આનુષંગિક વ્યવસાય પણ ફૂલ્યોફાલ્યો છે. બિયારણ, ખાતર, ટ્રેક્ટરના ભાવ, નવા બોર બનાવવાનું કામ, ડ્રીપ ઇરીગેશન સહિતનો વ્યવસાય ફૂલ્યોફાલ્યો છે. આમ તો સર્વત્ર મંદીનો માહોલ છે. અલબત્ત અબડાસામાં ખેતીવાડીને લગતો વ્યવસાય ફૂલ્યોફાલ્યો છે અને કરોડોનું ટર્ન ઓવર થાય છે.