Site icon Revoi.in

ગુજરાતના ઈ-નિર્માણ પોર્ટલ અને યુ-વીન કાર્ડની પહેલની સુપ્રીમ કોર્ટે કરી પ્રશંસા

Social Share

અમદાવાદઃ ભારતની સુપ્રીમકોર્ટે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોના કલ્યાણ માટેના ઈ-નિર્માણ પોર્ટલ અને આધારકાર્ડ સાથે લીંક એવા યુ-વીન સ્માર્ટ કાર્ડ આપવાની ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલની પ્રશંસા કરી છે, એટલું જ નહીં અન્ય રાજ્યોને પણ ગુજરાત સરકારના આ મોડેલનું અનુસરણ કરવા કહ્યું છે. પ્રવાસી શ્રમિકોની પીડા અને સમસ્યાઓ સંદર્ભેની સુઓમોટો રિટ પિટિશન પરની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આમ નોંધ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘શ્રમ એવ જયતે’ ના અભિગમને મૂર્તિમંત કરતા અસંગઠિત ક્ષેત્રોમાં અને બાંધકામ ક્ષેત્રે કામ કરતાં શ્રમિકોને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ આપી શકાય એ હેતુ તેમની નોંધણી માટે ઈ-નિર્માણ પોર્ટલ લોન્ચ કર્યું છે. શ્રમિકો પોતાની રોજીરોટી માટેનો દિવસ બગાડ્યા વિના ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે એવી વ્યવસ્થા સાથે મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. એટલું જ નહીં નોંધાયેલા શ્રમિકોને યુ-વીન કાર્ડ આપવાનું પણ રાજ્ય સરકારનું આયોજન છે.

અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની ઑનલાઈન નોંધણી કરવાની પહેલ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે. અત્યાર સુધીમાં ૬ લાખ શ્રમિકોની નોંધણી કરવામાં આવી છે. ગુજરાતમાં શ્રમિકોના વસવાટના સ્થળો અને કાર્યસ્થળો પર જઈને શ્રમિકોની નોંધણી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં રાજ્યમાં ૨૧,૨૯૧ કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી પણ શ્રમિકોની નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રમિકો આધાર નંબર, બેંક એકાઉન્ટની વિગત, રેશનકાર્ડ અને આવકનું પ્રમાણપત્ર જેવા જુજ પુરાવા આપીને નોંધણી કરાવી શકે છે.

સુપ્રીમ કોર્ટે ગુજરાતની આ પહેલની પ્રશંસા કરી છે અને વધુ ને વધુ શ્રમિકોની નોંધણી થાય તથા ગુજરાતના ઈ-નિર્માણ પોર્ટલના માધ્યમથી વધુને વધુ શ્રમિકોને લાભ થાય એવા નિર્દેશો પણ આપ્યા છે. ગુજરાત સરકારની આ પહેલથી કેટલા શ્રમિકોને લાભ મળ્યો એની વિગતોથી આગામી બે અઠવાડિયામાં નામદાર સર્વોચ્ચ અદાલતને વાકેફ કરાશે.