Site icon Revoi.in

લશ્કર-એ-તૈયબા ભરતી કેસમાં કોર્ટે આરોપી ઇદ્રીસને 10 વર્ષની સજા ફરમાવી

Social Share

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026 : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની વિશેષ અદાલતે પાકિસ્તાન સાથે જોડાયેલા લશ્કર-એ-તૈયબા (LeT) ભરતી અને કટ્ટરપંથીકરણ કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના આરોપી સૈયદ એમ. ઇદ્રીસને દોષિત ઠેરવીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસ પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ યુવાનોની ભરતી કરી તેમને પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડવા અને ભારત સરકાર સામે જિહાદ માટે ઉશ્કેરવા સંબંધિત છે.

NIA દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝ મુજબ, કોલકાતા સ્થિત વિશેષ અદાલતે કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના રહેવાસી સૈયદ એમ. ઇદ્રીસને વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે ભારતીય દંડ સંહિતા (IPC) અને ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાયત ધારા (UAPA) ની અલગ-અલગ કલમો હેઠળ તેને મહત્તમ 10 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. તમામ સજાઓ એકસાથે ચાલશે. આ ઉપરાંત આરોપી પર 70,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

NIA એ એપ્રિલ 2020 માં પશ્ચિમ બંગાળ પોલીસ પાસેથી આ કેસની તપાસ હાથમાં લીધી હતી. તપાસ દરમિયાન એજન્સીએ સૈયદ એમ. ઇદ્રીસની જમ્મુ-કાશ્મીરના અલ્તાફ અહેમદ રાથર સાથે ધરપકડ કરી હતી. તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે બંનેએ તાનિયા પરવીન નામની મહિલા આરોપી સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક લોકોની ભરતી કરીને લશ્કર-એ-તૈયબાનું એક મોડ્યુલ ઊભું કરવાનો હતો.

તાનિયા પરવીનની ધરપકડ માર્ચ 2020 માં પશ્ચિમ બંગાળ પોલીસની STF દ્વારા ઉત્તર 24 પરગનાના બદુરિયા વિસ્તારમાંથી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન STF ને જિહાદી સાહિત્ય સહિત અનેક વાંધાજનક સામગ્રી મળી આવી હતી. NIA ની તપાસમાં ખુલાસો થયો છે કે આ નેટવર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને કટ્ટરપંથી બનાવી રહ્યું હતું અને તેમને ભારત વિરુદ્ધ જિહાદ કરવા માટે ઉશ્કેરતું હતું. આ નેટવર્કના તાર સીધા પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા.

સપ્ટેમ્બર 2020 અને મે 2021 માં NIA એ પકડાયેલા ત્રણેય આરોપીઓ ઉપરાંત પાકિસ્તાનમાં બેઠા બે ફરાર આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આ ફરાર આરોપીઓની ઓળખ આયશા ઉર્ફે આયશા બુરહાન અને બિલાલ ઉર્ફે બિલાલ દૂરાની તરીકે થઈ છે. આ બંને વિરુદ્ધ રેડ કોર્નર અને બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે. હાલમાં પકડાયેલા અન્ય બે આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પે ફરીવાર નરેન્દ્ર મોદીને અંગત મિત્ર ગણાવી કરી પ્રશંસા

Exit mobile version