Site icon Revoi.in

કોરોના સંકટઃ 48 ટકા માતા-પિતા સંતાનોને રસી વિના નથી મોકલવા માંગતા સ્કૂલ

Social Share

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે જનજીવન ફરીથી ધબકતું થયું છે. તેમજ કેટલાક રાજ્યોમાં સ્કૂલોમાં ઓફલાઈન વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ બાળકો માટે કોરોનાની રસીની ટ્રાયલ ચાલી રહી છે અને સપ્ટેમ્બર સુધીમાં બાળકો માટે કોરોનાની રસી ઉપલબ્ધ થવાની શકયતા છે. તેમજ ત્રીજી લહેર બાળકોને અસર કરશે તેવી અટકળો વહેતી થઈ છે. કોરોનાને પગલે માતા-પિતાઓને બાળકોની ચિંતા સતાવી રહી છે. જેથી એક સર્વે અનુસાર 48 ટકા માતા-પિતા કોરોનાની રસી વિના બાળકોને સ્કૂલે મોકવા તૈયાર નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાના કેસમાં ઘટાડો થતા ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને બિહાર સહિતના રાજ્યોમાં આ મહિને આંશિક રીતે સ્કૂલો ફરીથી શરૂ કરવામાં આવી છે. રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશે ઑગસ્ટના પહેલા સપ્તાહમાં સ્કૂલો ખોલવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં વાલીઓ પાસે સંમતિપત્ર લખાવવામાં આવે છે. દરમિયાન દેશના 361 જિલ્લામાં 32 હજાર જેટલા માતા-પિતાઓનો સંતાનોને સ્કૂલ મોકલવા બાબતે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 30 ટકા વાલીઓએ પોતાના જિલ્લામાં કોરોનાના કેસ શૂન્ય થયા બાદ સંતાનોને સ્કૂલ મોકલવાની તૈયારી દર્શાવી હતી. જ્યારે 48 ટકા વાલીઓએ બાળકોની કોરોનાની રસી બાદ સ્કૂલ મોકલવાની તૈયારી દર્શાવી હતી. 21 ટકા માતા-પિતાએ કહ્યું કે તેઓ જ્યારે પણ સ્કૂલ ખૂલે ત્યારે તેમના બાળકોને મોકલવા તૈયાર છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, બાળકો માટેની રસી ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે. હાલ દેશમાં બાળકો માટે કોવિડ-19ની રસીનું પરિક્ષણ ચાલી રહ્યું છે. તેમજ આગામી સપ્ટેમ્બર મહિનામાં બાળકો માટે કોવિડની રસી ઉપલબ્ધ થવાની શકયતા છે.