Site icon Revoi.in

કોવિડ-19 : એલોપેથી સાથે આયુર્વેદિક સારવાર કારગત

Social Share

અમદાવાદઃ વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે રાજયના નાગરિકોને સુરક્ષિત કરવા માટે રાજયભરમાં આયુષ નિયામકની કચેરી દ્વારા આયુષ સારવાર માટે અસરકારક કામગીરી કરવામા આવી રહી છે જેના ઘણા સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. દર્દીઓને એલોપેથી સારવારની સાથે સાથે આયુર્વેદિક સારવાર કોવિડ માટે આપવામા આવી છે જે સાચા અર્થમા કારગત નીવડી છે. અમદાવાદની સીવિલ હોસ્પિટલ ખાતે 1200 બેડની કોવીડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ખાતે સ્ટાન્ડર્ડ એલોપેથીની સારવાર સાથે માન્ય નિશ્ચિત પ્રોટોકોલની આયુર્વેદ સારવાર માટે એલોપેથી તજજ્ઞ સમિતિની મંજૂરી સાથે સંશોધન કાર્ય હાથ ધરાયુ હતુ. આ સંશોધન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નિતીન પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિની પૂર્વ મંજૂરી સાથે હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આ સંશોધન માટે જે દર્દીઓ સંમત હતા તેવા દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો જે સંશોધનના નીચોડમા આ પરિણામો મળ્યા છે.

આયુષ નિયામકના જણાવ્યાનુસાર આ સંશોધન કાર્ય બે ગ્રૂપમાં કરવામાં આવ્યા હતા. જેમાં Group A માં 1200 બેડ સિવિલ હોસ્પિટલ ખાતેની સ્ટાન્ડર્ડ એલોપેથીની સારવાર આપવામાં આવી હતી જેમાં એલોપેથીનો સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ અનુસરવામાં આવેલો અને Group Bમાં આયુષ પ્રભાગ, ગુજરાત રાજ્ય માન્ય નિશ્ચિત પ્રોટોકોલની આયુર્વેદ સારવારને એલોપેથીક સારવારની સાથે સાથે આપવામાં આવી.  Group – B (ATG) માં આયુર્વેદ પ્રોટોકોલ અન્વયે ઔષધ આપીને સારવાર કરાઈ હતી જેમાં દશમૂલ ક્વાથ ૨૦ ml+, પથ્યાદિ ક્વાથ 20 ml+, ત્રિકટુ ચૂર્ણ 2 ગ્રામ, 40 ml ઉકાળો દિવસમાં એકવાર સવારે ભૂખ્યા પેટે આપવામાં આવ્યો હતો. સંશમની વટી (500 મિલિગ્રામ  ટેબલેટ ) 1 ગ્રામ સવારે અને 1 ગ્રામ સાંજે જમ્યા પછી, આયુષ – 64 ટેબલેટ (500 મિલિગ્રામ  ટેબલેટ ) એક ગ્રામ સવારે અને એક ગ્રામ સાંજે જમ્યા પછી, યષ્ટીમધુ ઘનવટી (250 મિલિગ્રામ ચૂસવા માટેની ટેબલેટ) ત્રણ ગ્રામ પ્રતિદિન 6 વિભાજિત ભાગમાં દિવસ દરમિયાન ચૂસવા માટે આપવામાં આવી હતી. આ દવાઓ વધુમાં વધુ 28 દિવસ સુધી અથવા RT –PCR  નેગેટિવ આવે ત્યાં સુધી ચાલુ રાખવામા આવી હતી.

તેમણે ઉમેર્યુ કે, અખંડાનંદ આયુર્વેદના સ્પેશિયાલીસ્ટ દ્વારા બંને જૂથમાં 26 દર્દીઓ ઉપર દર્દીઓની સંમતિથી આ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને તેમના જરૂરી રીપોર્ટ તથા તપાસ સારવાર પહેલા (BT-Before treatment), સારવાર દરમિયાન અને સારવાર બાદ (AT-After treatment) કરવામાં આવ્યુ હતું. આ સંશોધન અભ્યાસ અન્વયે કોઈપણ દર્દીમાં Adverse Drug Reaction (ADR) જોવા મળી નથી. તમામ દર્દીઓના RT-PCR રીપોર્ટ સારવાર પૂર્વે (BT) અને સારવાર બાદ (AT) કરવામાં આવેલ. જેમાંથી આયુર્વેદ સારવાર અન્વયે સારવાર પ્રાપ્ત કરનાર Group – B  ના તમામ દર્દીઓના RT-PCR નેગેટિવ આવેલ છે. સારવાર પ્રાપ્ત કરનાર Group-B ના તમામ દર્દીઓના RT-PCR નેગેટિવ આવેલ છે.