Site icon Revoi.in

અમદાવાદ અને સુરતના કાપડના વેપારીઓના ઉધારમાં આપેલા માલના કરોડો રૂપિયા ફસાયા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કાળમાં વેપાર-ઉદ્યોગે ખૂબ નુકશાની સહન કરી હતી. કોરોનાના કાળ બાદ સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપતા જનજીવન ધબકતું થતાં વેપાર- ઉદ્યોગમાં પણ તેજીનો સંચાર જોવા મળ્યો હતો. દરમિયાન કાપડ ઉદ્યોગમાં પણ સારીએવી ઘરાકી નિકળી હતી. અને અમદાવાદ અને સુરતના વેપારીઓ અગાઉની પાર્ટીઓને ઉધારમાં માલ આપવા લાગ્યા હતા. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, પરપ્રાતની પાર્ટીઓ વાયદાઓ કર્યા કરે છે. પણ રૂપિયા આપતી નથી. આથી અમદાવાદ અને સુરતના ઘણાબધા જથ્થાબંધ કાપડના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ અને સુરતના કાપડના સંખ્યાબંધ વેપારીઓની ઉઘરાણી રાજ્યની બહાર ફસાયેલી હોવાથી વેપારીઓએ મસ્કતી કાપડ મહાજનની મદદ લીધી છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે આવેલી મંદીને લઇને કેટલાક વેપારીઓના નાણાં ફસાઇ ગયા છે. જેમાં માત્ર અમદાવાદ અને સુરતના કાપડના વેપારીના રૂ. 100 કરોડના નાણાં ફસાયા હોવાથી અમદાવાદ મસ્કતી કાપડ મહાજન અને કોલકાતાના એસોસિએશન સાથે મળીને કોઇ માર્ગ કાઢવામાં તેમજ એસઆઇટી તથા ક્રાઇમ બ્રાન્ચની મદદ લીધી છે.

મસ્કતી કાપડ મહાજનના સૂત્રોએ જણાવ્યું હતું કે, વેપારીઓએ વારંવાર કાઉન્ટર પાર્ટીને કહ્યું હોવા છતાં બાકી ઉઘરાણી પરત આવતી નથી. કોલકાતાના એસોસિએશનને રજૂઆત કરીશું બાદમાં કોલકાતાના વેપારીઓને માલ આપવો કે નહીં તે અંગે નિર્ણય લઈશું. અમદાવાદની 150-200 અને સુરતની 300 પાર્ટીના નાણાં ફસાયેલા છે. જે અંગે એસઆઇટીને કોલકાતા માટે 116થી વધુ અરજી મળી છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ દાખલ કરી છે. કોલકાતા એસોસિએશને ફસાયેલા નાણાં કઢાવવા સહકાર આપ્યો છે. ત્યાંના વેપારીઓને બોલાવીને સમજાવવામાં આવે છે અને વચ્ચેનો રસ્તો કાઢી બન્ને પક્ષે મદદ કરી રહ્યાં છે.