Site icon Revoi.in

સાયબર માફિયાઓનો આતંક: ભારતમાં 6 વર્ષમાં રૂ. 53,000 કરોડની ઓનલાઈન લૂંટ

Social Share

નવી દિલ્હી, 5 જાન્યુઆરી 2026: ભારતમાં ડિજિટલાઇઝેશનની સાથે સાયબર અપરાધોએ પણ ભયાનક ગતિ પકડી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્ર (I4C) ના તાજા આંકડા મુજબ, છેલ્લા છ વર્ષમાં દેશભરમાં વિવિધ ઓનલાઈન છેતરપિંડી દ્વારા જનતાએ રૂ. 52,976 કરોડથી વધુની માતબર રકમ ગુમાવી છે. જેમાં ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, ડિજિટલ અરેસ્ટ અને બેન્કિંગ ફ્રોડ જેવા ગુનાઓ મુખ્ય છે.

નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલના ડેટા અનુસાર, સાયબર ઠગાઈના આંકડા વર્ષ દર વર્ષે ડરામણી રીતે વધી રહ્યા છે વર્ષ 2025માં 21.77 લાખ ફરિયાદો મળી હતી જેમાં રૂ. 19813 કરોડની ઠગાઈ થઈ હતી. આવી જ રીતે 2024માં 19.18 લાખ ફરિયાદોમાં 22829 કરોડ, 2023માં 13.10 લાખ ફરિયાદમાં 7463 કરોડ, 2022માં 2290 કરોડ, 2021માં 552 કરોડ અને 2020માં 9 કરોડની ઠગાઈ થઈ હતી.

રાજ્યવાર વિશ્લેષણ કરવામાં આવે તો સાયબર ઠગાઈમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રહ્યું છે, જ્યાં રૂ. 3,203 કરોડનું નુકસાન થયું છે. આવી જ રીતે કર્ણાટકમાં 2412 કરોડ, તમિલનાડુમાં 1897 કરોડ, ઉત્તરપ્રદેશમાં 1443, તેલંગાણામાં 1372 કરોડ અને ગુજરાતમાં રૂ. 1312.26 કરોડની છેતરપીંડી થઈ છે.

સાયબર ઠગોએ લોકોને સૌથી વધુ ‘ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ’ (રોકાણ કૌભાંડ) દ્વારા નિશાન બનાવ્યા છે. કુલ ગુમાવેલી રકમમાંથી 77 ટકા હિસ્સો નકલી રોકાણ યોજનાઓનો છે. આ સિવાય 8 ટકા ડિજિટલ અરેસ્ટ, 7 ટકા ક્રેડિટ કાર્ડ ફ્રોડ અને 4 ટકા સેક્સટોર્શન દ્વારા લોકો લૂંટાયા છે. તપાસ એજન્સીઓના મતે, ભારતની 45% સાયબર ફરિયાદોના તાર કમ્બોડિયા, મ્યાનમાર અને લાઓસ જેવા દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો સાથે જોડાયેલા છે. આ દેશોમાંથી સંગઠિત નેટવર્ક દ્વારા ભારતીયોને ડિજિટલ અરેસ્ટ અને નકલી લોન એપના નામે ધમકાવીને નાણાં પડાવવામાં આવે છે.

સાવચેતીના પગલાં: અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવું, વધુ વળતરની લાલચ આપતી સ્કીમથી દૂર રહેવું અને સાયબર ફ્રોડનો ભોગ બનતા જ ત્વરિત 1930 હેલ્પલાઈન નંબર પર જાણ કરવી.

આ પણ વાંચોઃ માત્ર ખોટો આદેશ આપવા બદલ ન્યાયાધીશને બરતરફ ન કરી શકાય: સુપ્રીમ કોર્ટ

Exit mobile version