Site icon Revoi.in

અલગ દેશ બને દક્ષિણ ભારત!: કર્ણાટકના ડેપ્યુટી સીએમના સાંસદ ભાઈનું વાંધાજનક નિવેદન

Social Share

નવી દિલ્હી: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારના ભાઈ અને કોંગ્રેસના સાંસદ ડી. કે. સુરેશે ગુરુવારે કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે દક્ષિણ ભારતને અન્યાય થઈ રહ્યો છે. જે ધનરાશિ દક્ષિણ સુધી પહોંચવી જોઈતી હતી, તેને ડાયવર્ટ કરીને ઉત્તર ભારતમાં વિતરિત કરાય રહી છે. આ દરમિયાન તેમણે દક્ષિણ ભારતને અલગ દેશ બનાવવાની માગણી કરી નાખી. ડી. કે. સુરેશે કહ્યુ છે કે દક્ષિણ ભારત માટે અલગ દેશની માગણી કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે દાવો કર્યો છે કે કર્ણાટકને કેન્દ્ર પાસેથી પુરતું ધન મળી રહ્યું નથી.

ડી. કે. સુરેશે કહ્યુ છે કે હિંદી બેલ્ટે દક્ષિણ ભારત પર જે સ્થિતિ થોપી છે, તેના પરિણામ સ્વરૂપે અલગ દેશ માંગવા સિવાય કોઈ વિકલ્પ નથી.

ડી. કે. સુરેશના નિવેદન પર ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસનો ઈતિહાસ ભાગલા કરો અને રાજ કરોનો રહ્યો છે. માટે હવે કોંગ્રેસના સાંસદ ડી. કે. સુરેશ પણ તે ખેલ ખેલી રહ્યા છે. તેઓ ઉત્તર અને દક્ષિણ ભારતને વિભાજીત કરવા માંગે છે.

ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યુ છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પોતાની જોડો યાત્રા સાથે દેશને એકજૂટ કરવાની કોશિશ કરી રહ્યા છે. બીજી તરફ આપણી પાસે એક સાંસદ છે, જે દેશને તોડવા પર આમાદા છે. કોંગ્રેસનો વિચાર ભાગલા કરો અને રાજ કરોનો છે. તેમણે કહ્યુ છે કે કન્નડવાસી આવું ક્યારેય થવા દેશે નહીં. અમે તેમને લોકસભા ચૂંટણીમાં આકરો જવાબ આપીશું અને સુનિશ્ચિત કરીશું કે કોંગ્રેસ મુક્ત ભારત સફળ થાય.

કર્ણાટક ભાજપના નેતા આર. અશોકે કહ્યુ છે કે દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વની સુરક્ષાના શપથ લેવાનારા સાંસદના આ પ્રકારના શબ્દો ઉચ્ચારવા કોંગ્રેસની વિભાજનકારી માનસિકતાને દર્શાવે છે.

મહત્વપૂર્ણ છે કે કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે કહ્યુ છે કે ડી. કે. સુરેશે માત્ર લોકોનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ છે કે હું અખંડ ભારતના પક્ષમાં છું. તેમણે માત્ર લોકોના અભિપ્રાયને વ્યક્ત કર્યો છે. લોકો આવું વિચારી રહ્યા છે, કારણ કે તેમની ઉપેક્ષા કરાય રહી છે. દેશ એક છે. કારણ કે લોકોની સાથે અન્યાય થયો છે. માટે તેમણે આવું કહ્યું છે. ભારતે એક થવું જોઈએ અને આપણે સૌ એક છીએ. કાશ્મીરથી કન્યાકુમારી સુધી આપણે એક છીએ. દરેક ગામને ન્યાય મળવો જોઈએ.