Site icon Revoi.in

ભાવનગર જિલ્લામાં 281 પ્રવાસી શિક્ષકોની 1લી માર્ચથી ભરતી કરવાનો નિર્ણય

Social Share

ભાવનગરઃ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ભાવનગર જિલ્લામાં તાસદીઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરવા માટે ધો.1થી ધો.8 સુધીની શાળાઓમાં કુલ 281 પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કરાયો છે. ખાલી રહેલી જગ્યાઓ નિયમિત રીતે ન ભરાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય અટકે નહીં તે હેતુથી તાસ દીઠ માનદ વેતનથી ભરતી કરવામાં આવશે. જિલ્લાઓમાં ખાલી જગ્યાઓ અંગે જાણકારી મેળવ્યા બાદ માંગ કરાયેલી તે મુજબ હવે પ્રવાસી શિક્ષકોની ફાળવણી કરાશે. તા.1 માર્ચથી 31 માર્ચ દરમિયાન ડીઇઓ, ડીપીઇઓ કે શાસનાધિકારીએ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાની ગ્રાન્ટેડ તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો.1થી 5માં 139 પ્રવાસી શિક્ષકોની ફાળવણી કરાશે. જ્યારે ધો.6થી ધો.8માં 141 પ્રવાસી શિક્ષકોની ફાળવણી કરાશે. ગ્રાન્ટેડ શાળામાં ધો.1થી 5માં 15 તેમજ ધો.6થી 8માં 11 મળીન. કુલ 26 પ્રવાસી શિક્ષકો તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો.1થી 5માં 124 તથા ધો.6થી ધો.8માં 130 પ્રવાસી શિક્ષકોની ફાળવણી કરાશે. આમ તો સરકારી શાળાઓમાં કુલ 443 શિક્ષકોની જગ્યા માટે માંગ કરવામાં આવી હતી તેમાં 255 પ્રવાસી શિક્ષકોની ફાળવણી સરકારી શાળાઓમાં કરવામાં આવી છે. તાસ પદ્ધતિ ન હોય ત્યાં મહત્તમ દૈનિક માનદ વેતન રૂ.510 અને ઉચ્ચક માનદ માસિક વેતન રૂ.10,500થી વધે નહીં તે જોવાનું રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં પીટીસી અને ટેટ ઉતિર્ણ કરેલા અનેક બેરોજગાર યુવાનો છે. જિલ્લામાં પોતાના વતનથી નજીક નિયુક્તિ કરાશે તે તેમનો લાભ મળશે. હાલ તો  10 હજારના પગારમાં પણ નોકરી કરવા શિક્ષિત બેરોજગારો તૈયાર છે. જ્યારે જિલ્લાના અંતરિયાળ વિસ્તારના અનેક ગામોમાં પુરતા શિક્ષકો જ નથી. આથી પ્રવાસી શિક્ષકોની ભરતીથી ગામડાંમાં શિક્ષકોની ઘટ પુરાઈ જશે.