Site icon Revoi.in

દેશમાં ખરીફ પાકના વાવેતરમાં 9 લાખ હેકટરનો ઘટાડો, 99.63 લાખ હેકટરમાં વાવેતર

Social Share

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ છે જો કે, હજુ સુધી ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હજુ મેઘરાજાની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. બીજી તરફ ગયા વર્ષની સરખામણીમાં દેશમાં હાલ ખરીફ વાવેતરમાં 9 લાખ જેટલા હેકટરનો ઘટાડો થયો છે. ગયા વર્ષે 1.08 કરોડ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું. જ્યારે ચાલુ વર્ષે 99.63 લાખ હેકટરમાં વાવેતર થયું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં ખરીફ વાવેતરમાં ઘટાડો થયો છે. બીજી તરફ ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ગયા વર્ષની સરખામણીએ ખરીફ પાકનું વાવેતર વધ્યું છે. શરૂઆતી સપ્તાહો દરમિયાન ઉત્સાહ સાથે શરૂ થયેલા ખરીફ્ વાવેતરે છેલ્લા સપ્તાહે ધીમી પ્રગતિ દર્શાવી છે. જેની પાછળ દેશમાં સમગ્રતયા વાવેતરમાં વાર્ષિક ધોરણે 9 લાખ હેક્ટરથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. 2021 ખરીફ્માં 1.08 કરોડ હેક્ટરના વાવેતર સામે ચાલુ સિઝનમાં 99.63 લાખ હેક્ટરમાં ખરીફ્ વાવેતર જોવા મળી રહ્યું છે. વરસાદની ખાધ ઘટીને 17 ટકા પર આવવા છતાં વાવેતરમાં નોંધપાત્ર પીછેહઠ જોવા મળી રહી છે. ઉત્તરપ્રદેશ, તેલંગણા, તામિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને છત્તીસગઢમાં વાવેતર વધ્યું હોવાનું મનાઈ રહ્યું છે.

દેશમાં ચોમાસુ જામ્યા બાદ વાવેતરમાં વધારો થવાની શકયતા છે. શેરડીને બાદ કરતાં અન્ય તમામ ખરીફ્ પાકોના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. શેરડીનું વાવેતર 47.53 લાખ હેક્ટરમાં થઈ ચૂક્યું છે. ખરીફ્ ડાંગરનું વાવેતર 30.3 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવી રહ્યું છે. ગઈ સિઝનમાં 12.52 લાખ હેક્ટર સામે ચાલુ સિઝનમાં તે 8.73 લાખ હેક્ટરમાં જ જોવા મળે છે. જોકે પિૃમ બંગાળ બાદ દેશમાં ચોખાના ઉત્પાદનમાં બીજા ક્રમે આવતાં ઉત્તરપ્રદેશમાં ડાંગરનું વાવેતર 44 હજાર હેક્ટરમાં વધુ જોવા મળી રહ્યું છે. જાડાં ધાન્યોનું વાવેતર 7.4 ટકા ઘટાડો દર્શાવે છે. જ્યારે તેલીબિયાંના વાવેતરમાં 17.9 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને હજુ તે માત્ર 4.75 લાખ હેક્ટરમાં જ નોંધાયું છે.